એક તરફ વિરાટ કોહલી અને બીજી બાજુ વડા પ્રધાન મોદી!
દિલ્હીમાં બહુ ઓછા પ્રેક્ષકો રણજી મૅચ જોવા આવતા હોય છે, પણ આજે 16,000 લોકો કિંગ કોહલીને જોવા ઊમટી પડતાં નાસભાગ થઈ
નવી દિલ્હીઃ અહીં આજે સવારે દિલ્હીની રેલવે સામેની ચાર-દિવસીય રણજી ટ્રોફી મૅચ જોવા માટે એકલા વિરાટ કોહલીને જોવા માટે હજારો લોકો (અંદાજે 15થી 16 હજાર લોકો) ઊમટી પડતાં નાસભાગના બનાવો બન્યા હતા અને વ્યવસ્થા જાળવવા બાબતમાં સલામતી રક્ષકો માટે મોટી કસોટી થઈ ગઈ હતી. અરુણ જેટલી સ્ટેડિયમમાં વિરાટને રમતો જોવા સવારે પાંચ વાગ્યાથી લોકો સ્ટેડિયમની બહાર આવી ગયા હતા. સવારે 9.00 વાગ્યે ટૉસ થયા પછી 9.30 વાગ્યે મૅચ શરૂ થવાની હતી એવામાં તો હજારોની સંખ્યામાં લોકો આવી ગયા હતા. બીજી તરફ, સ્ટેડિયમની બહારના રોડ પર એ જ સમયે (લોકોની ધક્કામુક્કીના બનાવ વખતે) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કારનો કાફલો પસાર થઈ રહ્યો હોવાથી સ્થિતિ ખૂબ જ જટિલ અને નાજુક થઈ ગઈ હતી.
Also read : Ranji Trophy: વિરાટને જોવા ચાહકોનું ઘોડાપુર ઉમટ્યું; ધક્કામુક્કી થતાં ત્રણ ઘાયલ, સુરક્ષામાં ચૂક
વિરાટ કોહલી 12 વર્ષે ફરી રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. છેલ્લે તે 2012ની સાલમાં દિલ્હી વતી રણજીમાં રમ્યો હતો.
પીએમ મોદીએ દિલ્હી વિધાનસભાની પાંચમી ફેબ્રુઆરીની ચૂંટણી માટેનો પ્રચાર શરૂ કરી દીધો છે અને આજે સવારે દિલ્હીના ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશવા હજારો લોકોનો ધસારો થયો હતો અને અસંખ્ય લોકો રસ્તા પર ઊભા હતા એ જ સમયે મોદીની કારનો લાંબો કાફલો પાસ થવાનો હોવાથી માર્ગો પર સામાન્ય જનતા માટે ઘણા નિયંત્રણો હતા એટલે ગંભીર સ્થિતિમાં સલામતી રક્ષકોએ વ્યવસ્થા જાળવવાની બાબતમાં મોટી પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું.
દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ ઍસોસિયેશન (ડીડીસીએ)ના સૂત્રોએ પીટીઆઇને આપેલી માહિતી મુજબ સામાન્ય રીતે રણજી મૅચ જોવા બહુ ઓછા ક્રિકેટપ્રેમીઓ આવતા હોય છે, પરંતુ 36 વર્ષીય કિંગ કોહલીને રમતો જોવા હજારોની સંખ્યામાં લોકો વહેલી સવારથી સ્ટેડિયમ પર આવી રહ્યા હતા. પરિણામે, સ્ટેડિયમમાં બેસવા માટે વહીવટકારોએ તાબડતોબ (યુદ્ધના ધોરણે) સીટની વ્યવસ્થા કરવી પડી હતી.
સામાન્ય રીતે દિલ્હીમાં રણજી ટ્રોફી જેવી ડોમેસ્ટિક મૅચ જોવા આવનારને વિનામૂલ્યે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવે છે. આ મૅચમાં ટૉક ઑફ ધ ટાઉન’ કિંગ કોહલી આવવાનો હોવાથી અંદાજે 10,000 લોકો આવી ચડ્યા હતા જેમાં ભાગદોડની ઘટનામાં એક સલામતી રક્ષક સહિત કેટલાક લોકોને ઈજા પહોંચી હતી તેમ જ પોલીસની બાઇકને નુકસાન પણ થયું હતું. જોકે દિલ્હી પોલીસના નિવેદનમાં જણાવાયું હતું કે કોઈને પણ ઈજા નહોતી થઈ. કોહલીની હાજરીનો જાદુ એવો હતો કે ઘણા લોકો પરિવાર સાથે આવી ચડ્યા હતા.
સત્તાધીશોએ પહેલાં તો 6,000 સીટની ક્ષમતાવાળા ગૌતમ ગંભીર સ્ટૅન્ડ’ માટેનો ગેટ ખોલ્યો હતો. જોકે ક્રાઉડને સંભાળવું કાબૂ બહારની વાત થઈ જશે એવું ધારીને બિશનસિંહ બેદી’ સ્ટૅન્ડ તરફનો દરવાજો પણ ખોલી નાખવામાં આવ્યો હતો, કારણકે એ સ્ટૅન્ડમાં 11,000 પ્રેક્ષકોને સમાવી શકાય એટલી જગ્યા છે. મેદાન ખાતે હાજર ભારતના એક ભૂતપૂર્વ ખેલાડીએ પીટીઆઇને કહ્યું હતું કેહું રણજી ટ્રોફી રમતો ત્યારે પણ મેં રણજી મૅચ માટે આટલો બધો ધસારો ક્યારેય નહોતો જોયો. એ તો ઠીક, પણ ત્યારે ડોમેસ્ટિક મૅચ જોવા ભાગ્યે જ કોઈ આવતું હતું. આ તો જુઓ, એકલા કોહલીને જોવા માટે હજારોની સંખ્યામાં પ્રેક્ષકો આવી ગયા!’
ડીડીસીએના સેક્રેટરી અશોક શર્માએ પીટીઆઇને જણાવ્યું હતું કે `હું 30 દિલ્હી ક્રિકેટ સાથે સંકળાયેલો છું, પણ એક રણજી મૅચ માટે આટલો બધો ધસારો તો મેં પહેલી જ વાર જોયો. આ જ બતાવે છે કે કોહલીની લોકપ્રિયતા હજીયે સર્વોત્તમ છે.’
`કોહલી…કોહલી’ની બૂમો પડી, દરેક હિલચાલ પર ચાહકો આફરીન, એક યુવાન પગે લાગ્યો
દિલ્હીના સ્ટેડિયમમાં હજારો લોકોને રણજી મૅચમાં કોણ કેવું રમે એના કરતાં માત્ર વિરાટને જોવામાં જ રસ હતો. વિરાટ ફીલ્ડિંગ કરી રહ્યો હતો અને જેવો બાઉન્ડરી લાઇનની નજીક આવતો એટલે લોકો કોહલી…કોહલી’ની બૂમો પાડતા હતા. વિરાટ પણ પોતાની સ્ટાઇલમાં તેમનું મનોરંજન કરતો હતો. પ્રેક્ષકો ફીલ્ડિંગ કરી રહેલા વિરાટની દરેક હિલચાલ પર નજર રાખતા હતા અને તેને ચિયર-અપ કરતા હતા.
Also read : રાષ્ટ્રીય રમતોત્સવના આરંભમાં 14 વર્ષની સ્વિમર ધીનિધિ છવાઈ ગઈ…
એક યુવાન ક્રિકેટપ્રેમી સલામતી કવચ ભેદીને મેદાન પર દોડી ગયો હતો અને વિરાટને પગે લાગ્યો હતો. થોડી જ વારમાં રક્ષકો તેને મેદાનની બહાર લઈ ગયા હતા. સ્ટેડિયમમાં પ્રેક્ષકોને મફતમાં એન્ટ્રી મળી હતી. ચાર બાળકોનું ગ્રૂપ સ્કૂલમાં જવાનું ટાળીને વિરાટને જોવા સ્ટેડિયમમાં આવ્યા હતા. મેદાનની બહાર તેમને પત્રકારે પૂછ્યું કે દિલ્હીના કૅપ્ટન આયુષ બદોનીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે એટલે તમને વિરાટની બૅટિંગ જોવાનો મોકો નહીં મળે એટલે તમે નિરાશ નથી થયા? જવાબમાં એક બાળકે કહ્યું કેકોઈ વાંધો નહીં, અમે તેને ફીલ્ડિંગ કરતો જોઈશું.’
આવતી કાલે કોહલીની બૅટિંગ, ફરી હજારો લોકો આવશે
રેલવેની ટીમ દિલ્હીના બોલર નવદીપ સૈનીની ત્રણ અને સુમિત માથુરની ત્રણ વિકેટને પગલે આજે પ્રથમ દાવમાં 241 રને ઑલઆઉટ થઈ ગયા બાદ દિલ્હીએ એક વિકેટે 41 રન બનાવ્યા હતા. સનત સંગવાન નવ રને અને યશ ધુલ 17 રને રમી રહ્યો હતો. વિરાટ કોહલી મોટા ભાગે ચોથા નંબરે બૅટિંગમાં આવશે અને આવતી કાલે તેની બૅટિંગ આવવાની હોવાથી ફરી હજારોની સંખ્યામાં લોકો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આવશે એમાં કોઈ શંકા નથી.
2013 માં હરિયાણાના સ્ટેડિયમમાં સચિનને જોવા ધસારો થયેલો
મનપસંદ દિગ્ગજ ક્રિકેટરને જોવા અચાનક જ અને ધારણાની બહાર પ્રેક્ષકોનો ધસારો થયો હોવાની આ પહેલી ઘટના નથી. 2013માં સચિન તેન્ડુલકર હરિયાણાના લાહલી નામના નાના નગરના મેદાન પર અંતિમ ફર્સ્ટ-ક્લાસ મૅચ રમવાનો હતો ત્યારે તેને જોવા માટે આશરે 8,000 લોકો આવી ગયા હતા.
Also read : શું સેહવાગ અને પત્ની આરતી વચ્ચે કારમાં ઝઘડો થયેલો?
સચિન તેન્ડુલકર આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ મૅચ નવેમ્બર 2013માં વાનખેડે સ્ટેડિયમમાં રમ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ સામેની એ ટેસ્ટમાં સચિને પ્રથમ દાવમાં 74 રન બનાવ્યા હતા.