ખેલો ઇન્ડિયાની દેનઃ સિન્ડ્રેલા દાસ અને દિવ્યાંશી ભૌમિક ટેબલ ટેનિસમાં બની ગઈ નંબર-વન | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ખેલો ઇન્ડિયાની દેનઃ સિન્ડ્રેલા દાસ અને દિવ્યાંશી ભૌમિક ટેબલ ટેનિસમાં બની ગઈ નંબર-વન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ખેલો ઇન્ડિયાની બે જાણીતી ઍથ્લીટ સિન્ડ્રેલા દાસ અને દિવ્યાંશી ભૌમિકની ટેબલ ટેનિસ જોડીએ ભારત માટે નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે ઐતિહાસિક સિદ્ધિ મેળવીને ખેલો ઇન્ડિયાને વિશ્વભરમાં અનેરું ગૌરવ અપાવ્યું છે.

સિન્ડ્રેલા (Syndrela) અને દિવ્યાંશી (Divyanshi)ની જોડીએ ટેબલ ટેનિસ (Table Tennis)માં અન્ડર-19 ગર્લ્સ ડબલ્સ વર્લ્ડ રૅન્કિંગ્સમાં નંબર-વનની રૅન્ક હાંસલ કરી છે. ઇન્ટરનૅશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની એક યાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી.

આપણ વાંચો: કાંદિવલીનો ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડી જશ મોદી નૅશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

સિન્ડ્રેલા-દિવ્યાંશીની જોડીના નામે 3,910 પૉઇન્ટ છે જે તમામ દેશોની આ વર્ગની ટેબલ ટેનિસ ખેલાડીઓમાં સર્વોત્તમ છે. તેમણે તાઇપેઇની વુ જિઆ-એન અને વુ યિન્ગ-સ્યૂઆનની જોડીને ઝાંખી પાડી દીધી છે. વુ-વુની જોડીના નામે 3,195 પૉઇન્ટ છે. ફ્રાન્સની લીઍના હૉકાર્ટ અને નિના ગુઓ ઝેન્ગ (3,170) ત્રીજા નંબરે છે.

સિન્ડ્રેલા અને દિવ્યાંશીની જોડી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગોલ્ડ સહિત અનેક મેડલ જીતી છે. ભારતની જ તનીશા કોટેચા અને સાયલી વાણી 1,575 પૉઇન્ટ સાથે 13મા નંબરે છે. તનીશા કોટેચા થોડા સમયથી સુહાના સૈની સાથેની જોડીમાં પણ રમે છે અને તેઓ 620 પૉઇન્ટ સાથે 31મા સ્થાને છે.

છોકરીઓની ટેબલ ટેનિસમાં ભારતે બીજી પણ મોટી સિદ્ધિ મેળવી છે. ભારતની છ ટેબલ ટેનિસ ખેલાડીઓ વર્લ્ડ ડબલ્સ રૅન્કિંગ્સની ટોચની 100 ખેલાડીઓમાં આવી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button