ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સઃ પ્રથમ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ આજથી શરૂ થશે, અનુરાગ ઠાકુરે કહ્યું- આ ગેમ્સ ગેમ ચેન્જર સાબિત થશે
નવી દિલ્હીઃ આજથી નવી દિલ્હીમાં પ્રથમ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ શરૂ થઇ છે. નવી દિલ્હીમાં 10 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન મુજબ, આર્મી સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ સહિત 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1350 થી વધુ પ્રતિભાગીઓ પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ભાગ લે તેવી અપેક્ષા છે.
આ રમતોમાં, પેરા એથ્લેટસ, પેરા એથ્લેટિક્સ, પેરા શૂટિંગ, પેરા તીરંદાજી, પેરા બેડમિન્ટન, પેરા ટેબલ ટેનિસ અને પેરા વેઈટ લિફ્ટિંગ અને પેરા ફૂટબોલ સહિતની 7 સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં સન્માન માટે સ્પર્ધા કરશે. આ ગેમ્સ ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ, તુગલકાબાદમાં કરણી સિંહ શૂટિંગ રેન્જ અને જવાહર લાલ નેહરુ સ્ટેડિયમ એમ ત્રણ સ્ટેડિયમમાં યોજાશે
પેરા ખેલો ઈન્ડિયા ગેમ્સ વિશે બોલતા, યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે પ્રથમ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ એ એક સમાવેશી સમાજ બનાવવા અને મજબૂત કરવા તરફનું બીજું પગલું છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે અઠવાડિયા સુધી ચાલનારી ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ ભારતીય રમતપ્રેમીઓ માટે અત્યાર સુધીની અજાણી પ્રતિભાના ઊંડાણને ઉજાગર કરવામાં મદદ કરશે.
રમતગમત ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, દેશમાં પેરા ગેમ્સને સુધારવાની અમારી ઉત્સુકતાએ આ ગેમ્સનું આયોજન થયું છે. આ ગેમ્સ ચોક્કસ ખેલ પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખવામાં અને તેમને સમર્થન આપવામાં ગેમ ચેન્જર સાબિત થશે.