સ્પોર્ટસ

ખેલો ઇન્ડિયામાંથી 1,342 ઍથ્લીટ પડતા મૂકાયા, કારણકે તેમણે…

નવી દિલ્હીઃ ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે રાજ્ય સભામાં જાહેરાત કરી હતી કે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન વિવિધ રમતોમાંથી કુલ 1,342 ઍથ્લીટને ` ખેલો ઇન્ડિયા’ પ્રોગ્રામમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. આ પગલાં પાછળ કારણ એ હતા કે એમાંના અમુક ઍથ્લીટના પર્ફોર્મન્સ જોઈએ એવા નહોતા અને અન્ય કેટલાકે ડ્રગ્સને લગતાં (ડૉપિંગના) નિયમનો ભંગ કર્યો હતો.

` ખેલો ઇન્ડિયા’ પ્રોગ્રામમાં સામેલ ઍથ્લીટોના પર્ફોર્મન્સ વિશે રાજ્ય સભામાં વિગતો માગવામાં આવી ત્યારે માંડવિયાએ જવાબમાં 1,342 ઍથ્લીટને પડતા મૂકવામાં આવ્યા હોવાની જાણકારી આપવા ઉપરાંત એવું પણ કહ્યું હતું કે આ પ્રોગ્રામમાં કુલ 2,905 નવા ઍથ્લીટના નામ પણ ઉમેરવામાં આવ્યા છે.

આપણ વાચો: રોહિત શર્મા મુદ્દે ટિપ્પણી વિવાદમાં મનસુખ માંડવિયાની પ્રતિક્રિયા, “શરમજનક જ નહિ દયનીય…

` ખેલો ઇન્ડિયા’ (Khelo India) માટેના ઍથ્લીટોના પર્ફોર્મન્સ નિર્ધારિત માપદંડ મુજબ છે કે નહીં એનું પરીક્ષણ દર વર્ષે પ્રૉટોકૉલ મુજબ નક્કી કરેલા કૅમ્પમાં કરવામાં આવે છે અને સમયાંતરે ખેલો ઇન્ડિયાની વેબસાઇટ પર એના અહેવાલ મૂકવામાં આવે છે.

કેન્દ્ર સરકારના આ કાર્યક્રમમાં રાષ્ટ્રભરમાં કુલ મળીને 23,000થી પણ વધુ ઍથ્લીટો (ATHLETES)ને તાલીમ આપવામાં આવી રહી છે અને એમાં કયા ખેલાડીઓના પર્ફોર્મન્સમાં સુધારો થયો છે, કોના દેખાવમાં ખાસ કંઈ ફેરફાર નથી થયો અને કયા ઍથ્લીટોએ નક્કી કરેલા માપદંડ મુજબ સુધારો નથી બતાવ્યો એ ટૅલન્ટ આઇડેન્ટિફિકેશન ઍન્ડ ડેવલપમેન્ટ કમિટી (ટીઆઇડીસી)ના સ્ટાફ દ્વારા નક્કી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન પ્રતિબંધિત કેફીદ્રવ્યોને લગતા સૌથી વધુ પૉઝિટિવ દરની બાબતમાં વર્લ્ડ ઍન્ટિ ડોપિંગ એજન્સી (WADA) પાસે જે દેશોના નામ સૌથી ઉપર છે એમાં ભારતનું પણ નામ છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button