સ્પોર્ટસ

કેરળમાં બે ટીનેજ મહિલા ઍથ્લીટનાં હોસ્ટેલમાંથી મૃતદેહ મળતાં ખળભળાટ

કોલ્લમ (કેરળ): અહીં ગુરુવારે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (SAI)ની હોસ્ટેલમાં રહેતી બે ટીનેજ મહિલા ઍથ્લીટ તેમની એક રૂમમાં મૃત હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. બન્ને છોકરી તાલીમાર્થી (Trainee) હતી અને તેઓ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

18 વર્ષની સૅન્ડ્રા અને 15 વર્ષની વૈષ્ણવીએ આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા છે. સૅન્ડ્રા ચલિયામ કોઝિકોડની અને વૈષ્ણવી મુથક્કલ તિરુવનંતપુરમની હતી.

પોલીસે જણાવ્યું હતું કે ` સૅન્ડ્રા ઍથ્લીટ હતી. તે પ્લસ-ટૂમાં ટ્રેઇની હતી. વૈષ્ણવી કબડ્ડી ખેલાડી હતી અને ક્લાસ-10ની વિદ્યાર્થીની હતી.’

આપણ વાચો: કેન્યામાં મહિલા ઍથ્લીટની પાર્ટનરના હાથે હત્યાના ચોથા બનાવથી લોકોમાં આક્રોશ…

ગુરુવારે વહેલી સવારે પાંચ વાગ્યે હોસ્ટેલ (Hostel)ના જ કેટલાક સ્ટૂડન્ટ્સે જોયું કે સૅન્ડ્રા અને વૈષ્ણવી સવારના તાલીમના સત્રમાં નથી આવી ત્યારે તપાસ થતાં આખો મામલો બહાર આવ્યો હતો.

હોસ્ટેલના સત્તાધીશોએ સૅન્ડ્રા અને વૈષ્ણવી જે રૂમમાં હતી એનો દરવાજો વારંવાર ખટખટાવ્યો હોવા છતાં ન ખૂલ્યો એટલે દરવાજો તોડવામાં આવ્યો હતો અને ત્યારે બન્ને છોકરી પંખા પર લટકતી હાલતમાં મળી આવી હતી.

પોલીસે પત્રકારોને જણાવ્યું હતું કે ` વૈષ્ણવી અલગ રૂમમાં રહેતી હતી, પણ બુધવારની રાત તે સૅન્ડ્રાના રૂમમાં હતી. હોસ્ટેલના કેટલાક સ્ટૂડન્ટ્સને છેલ્લે તેઓ બુધવારે મધરાત બાદ 12.30 વાગ્યે જોવા મળી હતી. .

એસએઆઇ સેન્ટરના ઇન્ચાર્જની ફરિયાદને આધારે પોલીસે એફઆઇઆર નોંધ્યા બાદ આખો મામલો ચર્ચાસ્પદ થયો છે. પોલીસ તપાસ દરમ્યાન પોસ્ટમૉર્ટમના રિપોર્ટને ધ્યાનમાં લેવા ઉપરાંત બન્ને છોકરીના મોબાઇલ તપાસશે તેમ જ હોસ્ટેલના અન્ય સ્ટૂડન્ટ્સના પણ નિવેદનો રેકૉર્ડ કરશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button