ક્રિકેટર કરુણ નાયરની પત્ની વિશે આ જાણો છો?

મુંબઈઃ લંડનના ઓવલમાં ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટના પ્રથમ દાવમાં બ્રિટિશ બોલર્સનો હિંમતથી સામનો કરીને હાફ સેન્ચુરી ફટકારીને ખરા અર્થમાં 3,149 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાન પર ચમકી રહેલા બૅટ્સમૅન કરુણ નાયર (Karun Nair) વિશે આપણે ઘણું જાણ્યું છે, પણ તેની પત્ની સનાયા (Wife Sanaya) ક્યારેય ન્યૂઝમાં નથી આવી એટલે તેના વિશે થોડી અજાણી વાતો જાણી લઈએ.
પારસી (Parsi) સમુદાયમાં જન્મેલી સનાયા ટંકરીવાલાએ કરુણ નાયર સાથે પ્રેમમાં પડ્યા બાદ હિન્દુ (Hindu) ધર્મ અંગીકાર કર્યો હતો અને 2020માં તેઓ ઉદયપુરમાં પારસી સમાજની તેમ જ મલયાલી પરંપરા મુજબ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. તેમના લગ્નમાં શ્રેયસ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર, અજિંક્ય રહાણે, વરુણ આરૉન વગેરે જાણીતા ક્રિકેટરો તેમ જ સનાયાનાં મીડિયા જગતના મિત્રો ઉપસ્થિત હતા.
આપણ વાંચો: ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદમાં રાખો, એક લાખનું ક્રાઉડ મળશેઃ રવિ શાસ્ત્રી…
કરુણ-સનાયા વચ્ચેની મિત્રતા જ્યારે રિલેશનશિપમાં પરિણમી અને તેમણે ડેટિંગ શરૂ કર્યું ત્યાર બાદ 2019માં કરુણે ગોવાના બીચ પર સનાયાને પ્રપોઝ કર્યું હતું. દેખાવમાં સુંદર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતી સનાયા મીડિયા પ્રૉફેશનલ છે.
કરુણ નાયર સાથેની અંગત જિંદગીને તેણે હંમેશાં ખાનગી જ રાખ્યું છે અને અન્ય કેટલાક ખેલાડીઓની પત્ની તથા ગર્લફ્રેન્ડની જેમ તે ભાગ્યે જ જાહેરમાં જોવા મળી છે. એમ છતાં સોશિયલ મીડિયામાં તેની એકધારી હાજરી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર તેના 10,200 ફૉલોઅર્સ છે. કરુણે આંતરરાષ્ટ્રીય તથા ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે અને સનાયાએ બન્ને બાળકો (કયાન તથા સમરા)નો ઉછેર કરવાની સાથોસાથ પતિદેવને તેની કરીઅર દરમ્યાન સતત સાથ મળ્યો છે. કરુણ માટે તે સતતપણે આધારસ્તંભ બની છે.
આપણ વાંચો: ટી-20 ની અસર, ઑસ્ટ્રેલિયા-વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટના પ્રથમ દિવસે આટલી વિકેટ પડી…
કરુણ નાયરને 2025ની આઇપીએલમાં અને હવે ટેસ્ટ ટીમમાં કમબૅક કરાવવામાં નૈતિક રીતે સનાયાનો બહુ સારો સપોર્ટ મળ્યો અને એને લીધે પણ તે સોશિયલ મીડિયામાં છવાયેલી રહી છે. જોકે તે ભાગ્યે જ કોઈને ઇન્ટરવ્યૂ આપે છે અને સોશિયલ મીડિયા પરના પોતાના અભિગમથી જ પોતાને જે કહેવું હોય એ ચાહકોને અને સામાન્ય જનતાને કહી દેતી હોય છે.
રાજસ્થાનના જોધપુરમાં જન્મેલો કરુણ નાયર 33 વર્ષનો છે. ટેસ્ટ-ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર તે વીરેન્દર સેહવાગ પછીનો માત્ર બીજો ભારતીય ખેલાડી છે. તેણે 12 વર્ષની ડોમેસ્ટિક ક્રિકેટમાં 119 મૅચમાં 8,500થી વધુ રન કર્યા છે.
તે વિદર્ભ અને કર્ણાટક રાજ્યની ટીમ વતી રમ્યો છે અને વિદર્ભને રણજી ટ્રોફીનું ટાઇટલ અપાવવામાં તેનું મહત્ત્વનું યોગદાન હતું. આઇપીએલમાં તે દિલ્હી કૅપિટલ્સ, રાજસ્થાન રૉયલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ વતી રમી ચૂક્યો છે.
સનાયાએ હાઈ-પ્રોફાઇલ ક્રિકેટર સાથે લગ્ન કર્યા હોવા છતાં મીડિયા પ્રૉફેશનલ તરીકેની કારકિર્દી છોડી નથી.