વડોદરામાં બરોડાનો સેકન્ડ-લાસ્ટ બૉલ પર કર્ણાટક સામે પરાજય…
મહારાષ્ટ્ર પણ પહોંચી ગયું વિજય હઝારે ટ્રોફીની સેમિ ફાઇનલમાં
વડોદરાઃ વન-ડે ફૉર્મેટની વિજય હઝારે ટ્રોફીમાં ચાર વખત ચૅમ્પિયન બનેલા કર્ણાટકે આજે અહીં બરોડાની યજમાન ટીમને ક્વૉર્ટર ફાઇનલમાં છેલ્લી ઓવરના પાંચમા બૉલ પર ઑલઆઉટ કરીને પાંચ રનના માર્જિન સાથે વિજય મેળવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી રોમાંચક ક્વૉર્ટરમાં મહારાષ્ટ્રએ પંજાબને 70 રનથી હરાવી દીધું હતું.
વડોદરાના મોતીબાગ સ્ટેડિયમમાં બરોડાના કૅપ્ટન કૃણાલ પંડ્યાએ ફીલ્ડિંગ પસંદ કર્યા બાદ કર્ણાટકે ઓપનર દેવદત્ત પડિક્કલ (102 રન, 99 બૉલ, બે સિક્સર, પંદર ફોર)ની સેન્ચુરી અને કે. વી. અનીશ (બાવન રન, 64 બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી આઠ વિકેટે 281 રન બનાવ્યા હતા. બરોડા વતી રાજ લિંબાણીએ અને અતિત શેઠે ત્રણ-ત્રણ વિકેટ તેમ જ લુકમાન મેરિવાલા અને કૃણાલ પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી.
બરોડાની ટીમે જોરદાર વળતી લડત આપી હતી. ઓપનર શાશ્વત રાવત (104 રન, 126 બૉલ, એક સિક્સર, નવ ફોર)ની સેન્ચુરી અને અતિત શેઠ (56 રન, 59 બૉલ, એક સિક્સર, સાત ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી બરોડાની ટીમે 282 રનનો લક્ષ્યાંક મેળવવા `મરતે દમ તક’ના પ્રયાસો કર્યા હતા. ખુદ કૃણાલ 30 રન તથા ભાનુ પનિયા બાવીસ રન બનાવી શક્યો હતો.
આ પણ વાંચો : 6, 4, 4, 6, 4, 6: મૅચના છેલ્લા છ બૉલમાં બન્યા 30 રન, રિન્કુની જેમ બાજી પલટી નાખી!
ભાર્ગવ ભટ્ટે ફક્ત 12 બૉલમાં એક સિક્સર અને બે ફોરની મદદથી 20 રન બનાવ્યા હતા, પણ અંતિમ ઓવરના પાંચમા બૉલ પર તે આર. સ્મરણના બૉલમાં રનઆઉટ થઈ ગયો હતો. બરોડાની ટીમ 49.5 ઓવરમાં 276 રને ઑલઆઉટ થઈ હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના, વાસુકી કૌશિક, અભિલાષ શેટ્ટી તેમ જ શ્રેયસ ગોપાલે બે-બે વિકેટ લીધી હતી. પડિક્કલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ક્વૉર્ટર ફાઇનલમાં મહારાષ્ટ્ર (50 ઓવરમાં 275/6)એ પંજાબ (44.4 ઓવરમાં 205/10)ને 70 રનથી હરાવ્યું હતું. મહારાષ્ટ્ર વતી ઓપનર અર્શિન કુલકર્ણી (107 રન)ની સેન્ચુરી તેમ જ અંકિત બાવણે (60 રન) તેમ જ નિખીલ નાઇક (બાવન અણનમ)ની હાફ સેન્ચુરી બનતાં મહારાષ્ટ્ર 275 રનનો સ્કોર નોંધાવી શક્યું હતું.
જોકે પંજાબ વતી એકેય હાફ સેન્ચુરી નહોતી થઈ શકી. મહારાષ્ટ્રની ત્રણ વિકેટ લેનાર અર્શદીપ સિંહ (49 રન, 39 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ની આક્રમક ફટકાબાજી એળે ગઈ હતી. અર્શિનને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
આવતી કાલે (રવિવારે) બીજી બે ક્વૉર્ટર ફાઇનલ (સવારે 9.00 વાગ્યાથી) ગુજરાત-હરિયાણા તથા વિદર્ભ-રાજસ્થાન વચ્ચે રમાશે.