કપિલ દેવની ચર્ચાસ્પદ ટિપ્પણી,` ગૌતમ ગંભીર કોચ નહીં, પણ મૅનેજર કહેવાય’

કોલકાતાઃ ભારતના સૌપ્રથમ વર્લ્ડ ચૅમ્પિયન-કૅપ્ટન કપિલ દેવે ટીમ ઇન્ડિયાના હેડ-કોચ ગૌતમ ગંભીરને કોચ નહીં, પણ મૅનેજર તરીકે ઓળખાવીને નવી ચર્ચા શરૂ કરી છે. કપિલે એક પ્રવચનમાં કહ્યું કે ` ગૌતમ ગંભીર કોચ હોઈ જ ન શકે.’
ગયા વર્ષે રાહુલ દ્રવિડે ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદ બાદ ભારતીય ટીમને કોચિંગ આપવાનું છોડી દીધું ત્યાર બાદ ગંભીરને કોચિંગની કમાન સોંપવામાં આવી હતી. તેના કોચિંગમાં ભારત વાઇટબૉલ ક્રિકેટમાં (વન-ડે અને ટી-20માં) એકંદરે સારું પર્ફોર્મ કરી રહ્યું છે, પણ રેડ બૉલ ક્રિકેટ (ટેસ્ટ ફૉર્મેટ)માં ભારતનો પર્ફોર્મન્સ ખૂબ ખરાબ રહ્યો છે એટલે ગંભીર કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓનું નિશાન બન્યો છે.
ટીમમાં ખેલાડીઓને સામેલ કરવાની બાબતમાં વારંવાર રૉટેશનની નીતિ અજમાવવી, પાર્ટ-ટાઇમ બોલર્સ પર મદાર રાખવો, જરૂર કરતાં વધુ ઑલરાઉન્ડર્સને ઇલેવનમાં સમાવવા પર ભાર મૂકવો અને રણનીતિ સ્પષ્ટ ન રાખવી એ બદલ ગંભીરની ખૂબ ટીકા થઈ રહી છે.

કપિલ દેવે કોલકાતામાં ઇન્ડિયન ચૅમ્બર ઑફ કૉમર્સના આઇસીસી શતાબ્દિ’સત્ર દરમ્યાન કહ્યું કે સમકાલીન ક્રિકેટમાં કોચ’ શબ્દને ઘણી વાર અલગ રીતે સમજવામાં આવે છે. કપિલે આ વિશે વધુમાં કહ્યું, ` આજે કોચ શબ્દ સાવ સામાન્ય થઈ ગયો છે. ગૌતમ ગંભીર ટીમ-કોચ ન હોઈ શકે, તે ટીમ-મૅનેજર હોઈ શકે. મને સ્કૂલમાં અને કૉલેજમાં ક્રિકેટ શીખવનાર અને એમાં સતતપણ મારી ખામીઓમાં સુધારો કરાવનાર પ્રશિક્ષક મારી દૃષ્ટિએ ખરા અર્થમાં કોચ કહેવાય.’
કપિલે દેવે પ્રવચન દરમ્યાન એવો સવાલ પણ ઉઠાવ્યો કે ` એક હેડ-કોચ ટીમના દરેક વિભાગ માટેનો ટેક્નિકલ નિષ્ણાત કેવી રીતે હોઈ શકે? ગૌતમ ગંભીર લેગ-સ્પિનરને કે વિકેટકીપરને કેવી રીતે કોચિંગ આપી શકે? વાસ્તવમાં આ પ્રકારના ખેલાડીઓને પ્રશિક્ષણ આપવાનું મૅનેજ કરવામાં આવતું હોય છે. આધુનિક ક્રિકેટમાં મૅનેજરની ભૂમિકા ઘણી મહત્ત્વપૂર્ણ હોય છે, કારણકે મૅનેજર ખેલાડીઓનો વિશ્વાસ જીતતા હોય છે. મૅનેજર તરીકે તમે પ્લેયર્સ પર ભરોસો મૂકી શકો છો કે તેઓ સફળતા મેળવી શકે એમ છે અને એ વિશ્વાસનું પરિણામ મેદાન પર જોવા મળે છે.’
આ પણ વાંચો…યુવરાજના પિતા પિસ્તોલ લઈને શું ખરેખર કપિલ દેવને મારવા તેમના ઘરે પહોંચી ગયા હતા?



