સરકારે પાકિસ્તાનીઓ સામે રમવાની છૂટ આપી તો પછી હાથ મિલાવવામાં શું વાંધો?: કપિલ દેવ…

વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટને ચોંકાવતા એવું પણ કહ્યું, ` પાડોશી દેશ સાથે વાટાઘાટ થાય એ જ યોગ્ય રસ્તો’
નવી દિલ્હીઃ દુબઈના એશિયા કપમાં ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને તેના સાથી ખેલાડીઓએ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ ન મિલાવ્યા એ ઘટના પર 1983 વર્લ્ડ કપના ચૅમ્પિયન સુકાની કપિલ દેવે (Kapil Dev) તાજેતરમાં ચોંકાવનારી ટિપ્પણી કરી જેના પ્રત્યાઘાતમાં પીઢ લશ્કરી અધિકારી તથા લેખક કંવલજીત સિંહ ધિલ્લોને (Dhillon) કપિલ સાથે સંપૂર્ણપણે અસહમતિ દર્શાવી છે.
સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ કે કપિલ દેવે એશિયા કપની પાકિસ્તાન સામેની ફાઇનલ બાદ ટીવી પરના ઇન્ટરવ્યૂમાં શું કમેન્ટ કરી હતી. એ પહેલાં ખાસ ઉલ્લેખ કરવાનો કે એપ્રિલમાં કાશ્મીરના પહલગામમાં 26 હિન્દુ સહેલાણીઓની તેમના પરિવારજનોની નજર સામે પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ હત્યા કરી એના પ્રત્યાઘાતમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં વિનાશકારી કાર્યવાહી કરી હતી જેમાં આતંકવાદીઓના અડ્ડા તેમ જ હવાઈ મથકોનો નાશ કરવામાં આવ્યો હતો.
દુશ્મન-દેશ પાકિસ્તાન સામેના એ સખત પગલાં બાદ રમાયેલા એશિયા કપમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ નહોતા મિલાવ્યા અને રવિવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પાકિસ્તાની ચીફ મોહસિન નકવીના હાથે ચૅમ્પિયન્સ ટ્રોફી સ્વીકારવાની ચોખ્ખી ના પાડી હતી જેને પગલે નકવીએ ભારતના હકની ટ્રોફી ગુમ કરી નાખી હતી.
કપિલ દેવે ઇન્ટરવ્યૂમાં શું કહ્યું?
જોકે કપિલ દેવે ટીવી ઇન્ટરવ્યૂમાં કરોડો ભારતીયોને ચોંકાવતાં કહ્યું હતું કે `ટીમને જ્યારે પાકિસ્તાન સામે રમવાની પરવાનગી મળી તો પછી એમના ખેલાડીઓ સાથે હાથ મિલાવવા એ કોઈ મોટો મુદ્દો ન કહેવાય. ભારત સરકારે નિર્ણય લીધો છે કે પાકિસ્તાન વારંવાર હુમલો કરાવીને આપણા રાષ્ટ્રને ખલેલ પહોંચાડે એ ભારત નથી થવા દેવા માગતું. આવું જ જો હોય તો દરેકે સમજવું જોઈએ કે તેઓ આપણા પાડોશી છે.
કોઈ પણ વ્યક્તિ પાડોશી સાથે સારા સંબંધો ઇચ્છતી હોય. આવું તેઓ પણ માનતા હશે અને આપણે પણ માનતા હોઈશું. હવે વાત માત્ર વાટાઘાટની છે. વારંવાર વાટાઘાટ થાય એ જ એક રસ્તો છે. છેલ્લાશ 70 વર્ષમાં બન્ને દેશ વચ્ચેના સંબંધોમાં નજીવો સુધારો ભૂતકાળમાં જોવા મળ્યો. તેઓ આપણા પાડોશી છે. મોટા ભાઈ તરીકે આપણે આ સમસ્યાનો ઉકેલ લાવવા શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ.’
આ પણ વાંચો…યુવરાજના પિતા પિસ્તોલ લઈને શું ખરેખર કપિલ દેવને મારવા તેમના ઘરે પહોંચી ગયા હતા?
નિવૃત્ત અધિકારી ધિલ્લોને શું પ્રતિક્રિયા આપી?
નિવૃત્ત લશ્કરી અધિકારી કંવલજીત સિંહ ધિલ્લોને તાજેતરમાં જ ઑપરેશન સિંદૂર’ પર પુસ્તક લખ્યું છે. તેમણે કહ્યું કે તેઓ કપિલ દેવના મંતવ્ય સાથે જરાય સહમત નથી. ધિલ્લોને એવું પણ કહ્યું કેઆપણો આ પાડોશી દેશ (પાકિસ્તાન) હકીકતમાં કેવો છે એ બરાબર જાણવું જોઈએ. એની સાથે આપણે મોટા ભાઈ જેવું વર્તન બતાવીને એની સાથે ઉકેલ લાવવો એ બહુ દૂરની વાત કહેવાય. એ દેશની અસલિયત બરાબર ધ્યાનમાં હોવી જરૂરી છે.
આપણો આ પાડોશી દેશ આતંકવાદી રાષ્ટ્ર છે, તેઓ આપણા નિર્દોષ નાગરિકોના જીવ લઈ રહ્યા છે અને દાયકાઓથી તેમના આ કૃત્યો સામે લડીને આપણા સલામતી દળો દેશ માટે બલિદાન આપી રહ્યા છે, શહીદ થઈ રહ્યા છે. એ દેશ જે પ્રકારના પગલાંને લાયક છે એ જ ધ્યાનમાં રાખવું જોઈએ.’
કપિલના મંતવ્ય સાથે પૂનાવાલા પણ અસહમત
રાજકીય વિશ્લેષક તેહસીન પૂનાવાલાએ પણ કપિલ દેવ સાથે અસહમત થતા કહ્યું, `સૉરી સર, ભારત સાથે પાકિસ્તાનની સરખામણી ન કરો. ભારત કંઈ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા નથી કરાવતું. તેઓ આપણે ત્યાં કરાવે છે.
ઑપરેશન સિંદૂર દરમ્યાન આપણે તેમના નાગરિકો પર પણ હુમલો નહોતો કર્યો, જ્યારે તેઓ આપણે ત્યાં છાશવારે એવા હુમલા કરે છે. મહેરબાની કરીને પાકિસ્તાન સાથે વાટાઘાટ કરવાનું મંતવ્ય પડતું મૂકો. તમે જ વિચારો, તેઓ આપણા પર પરમાણુ હુમલો કરવા માગે છે.’
આ પણ વાંચો…પાકિસ્તાન અને પીસીબીએ ભારત સામે ઝૂકવું પડ્યું, ટીમ ઇન્ડિયાની ટ્રોફી…