આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કાંટે કી ટક્કરઃ મેચ જીતનાર સિરીઝ જીતશે

પાર્લ (દક્ષિણ આફ્રિકા): સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે પાર્લ ખાતે સીરિઝની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ આવતીકાલે રમાશે. આ મેચ (ભારતીય સમય અનુસાર) બપોરે સાડા ચાર વાગ્યે શરૂ થશે. સીરિઝની પ્રથમ મેચમાં ભારતે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો, જ્યારે બીજી મેચમાં સાઉથ આફ્રિકાએ શાનદાર વાપસી કરી હતી અને આઠ વિકેટે જીત મેળવી હતી. એવામાં સીરિઝની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ બંન્ને ટીમો માટે નિર્ણાયક રહેશે. આ મેચ જીતનારી ટીમ સીરિઝ પોતાના નામે કરશે.
પ્રથમ બે મેચમાં ઓપનિંગ જોડીની નિષ્ફળતા બાદ ભારતીય ટીમ ત્રીજી અને અંતિમ વનડેમાં દક્ષિણ આફ્રિકા સામે જીત નોંધાવવા માટે સારી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. ભારતે વનડે શ્રેણીમાં માત્ર એક જ વાર દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. ભારતીય ટીમને ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને સાઇ સુદર્શન પાસે સારા પ્રદર્શનની આશા છે. સુદર્શને પ્રથમ બે મેચમાં 55 અને 62 રન ફટકાર્યા હતા. જ્યારે ગાયકવાડે માત્ર પાંચ અને ચાર રન કર્યા છે. પ્રથમ મેચમાં ભારતીય ઓપનિંગ જોડી માત્ર 23 રનની ભાગીદારી કરી શકી હતી અને બીજી મેચમાં માત્ર ચાર રનની ભાગીદારી કરી શકી હતી.
બીજી તરફ દક્ષિણ આફ્રિકાના ઓપનર ટોની ડી જ્યોર્જીએ પ્રથમ સદી ફટકારી હતી અને રીઝા હેન્ડ્રીક્સે 130 રનની ઇનિંગ રમી હતી. ભારતના તિલક વર્મા બંન્ને મેચમાં નિષ્ફળ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટી20 શ્રેણી બાદ તે દક્ષિણ આફ્રિકા સામે પણ નિષ્ફળ રહ્યો હતો. ગાયકવાડ અને વર્માએ સારુ પ્રદર્શન કરવું પડશે. જો કે વર્માના સ્થાને 30 વર્ષના રજત પાટીદારને ચોથા નંબરે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. આગામી મેચ પાર્લમાં રમાશે જ્યાં પીચમાં વધુ સારો ઉછાળ મળી રહ્યો છે. ટીમ મેનેજમેન્ટ ગત મેચમાં 12 રન કરીને આઉટ થયેલા સંજુ સેમસનને બીજી તક આપી શકે છે.
બોલિંગમાં મુકેશ કુમાર બે મેચમાં એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. અર્શદીપ સિંહ અને અવેશ ખાન પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા હતા. ટીમ મેનેજમેન્ટ અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પણ તક આપી શકે છે. તેણે વિજય હજારે ટ્રોફીમાં હરિયાણા માટે સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે કુલદીપ યાદવ અથવા અક્ષર પટેલમાંથી એકને બહાર રાખીને ચહલને તક આપી શકે છે.



