કેન વિલિયમસને લખનઊના સલાહકાર બન્યા બાદ ન્યૂ ઝીલૅન્ડ વતી ટી-20માં રમવાનું છોડ્યું

ઑકલૅન્ડઃ ન્યૂ ઝીલૅન્ડ વતી ટેસ્ટ, વન-ડે અને ટી-20 ત્રણેય ફૉર્મેટમાં કુલ મળીને 19,000થી પણ વધુ રન કરનાર ભૂતપૂર્વ કૅપ્ટન કેન વિલિયમસને (Williamson) રવિવારે ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
નવાઈની વાત એ છે કે તેને તાજેતરમાં જ આઇપીએલની લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) ટીમના સલાહકાર તરીકે નીમવામાં આવ્યો હતો. સ્ટ્રૅટેજિક ઍડવાઇઝર તરીકેની તેની આ નિમણૂક 2026ની આઇપીએલની સીઝન માટેની છે.
ન્યૂ ઝીલૅન્ડ વતી 93 ટી-20 રમનાર વિલિયમસને નિવૃત્તિની જાહેરાત કરી એને પગલે તેને બુધવારે વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થઈ રહેલી ટી-20 સિરીઝ માટેની ટીમમાં સામેલ નહોતો કરવામાં આવ્યો.
આપણ વાચો: કિંગ કોહલી વિરુદ્ધ સેન્ટનર, વિલિયમસન વિરુદ્ધ વરુણ… જોરદાર રસાકસીની ઘડી આવી ગઈ…
35 વર્ષના રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન વિલિયમસને 93 ટી-20 ઇન્ટરનૅશનલમાં 2,575 રન કર્યા હતા જેમાં એક પણ સેન્ચુરી નહોતી. તેણે કૅરિબિયનો સામેની ટેસ્ટ શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુથી તાજેતરમાં વન-ડે સિરીઝ નહોતો રમ્યો. ટેસ્ટમાં તેણે કુલ 9,276 રન અને વન-ડેમાં 7,256 રન કર્યા છે.
કેન વિલિયમસને વર્તમાન કૅપ્ટન અને સ્પિનર મિચલ સૅન્ટનરની કૅપ્ટન્સીના ખૂબ વખાણ કર્યા હતા. વિલિયમસનના 19,000 પ્લસ ઇન્ટરનૅશનલ રન ન્યૂ ઝીલૅન્ડની ક્રિકેટમાં વિક્રમ છે.



