સ્પોર્ટસ

કાંદિવલીનો ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડી જશ મોદી નૅશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

દેહરાદૂનઃ કાંદિવલીમાં રહેતો કપોળ જ્ઞાતિનો જશ અમિત મોદી આજે અહીં રાષ્ટ્રીય રમતોત્સવમાં ટેબલ ટેનિસની સ્પર્ધામાં મેન્સ સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. નૅશનલ ગેમ્સમાં આ તેની પહેલી મોટી જીત છે. તેણે ભારતના નંબર-વન ખેલાડી તેમ જ કૉમનવેલ્થ ગેમ્સના બે ગોલ્ડ સહિત કુલ છ મેડલ તથા એશિયન સ્પર્ધાઓના કુલ નવ ચંદ્રક જીતી ચૂકેલા જી. સાથિયાનને રોમાંચક ફાઇનલમાં 4-3થી હરાવી દીધો હતો.

છેલ્લા 11 વર્ષમાં જિલ્લા સ્તરથી માંડીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીમાં કુલ મળીને 234 મેડલ જીતી ચૂકેલા મુંબઈના અને મહારાષ્ટ્રના 18 વર્ષની ઉંમરના સ્ટાર ટેબલ ટેનિસ પ્લેયર જશ મોદીના ટૉપ-સીડેડ સાથિયાન સામેના સાત સેટના પરિણામ આ મુજબ હતાઃ (1) 7-11 (2) 6-11 (3) 11-7 (4) 11-8 (5) 12-10 (6) 6-11 અને (7) 11-6.

આ પણ વાંચો: રાષ્ટ્રીય રમતોત્સવના આરંભમાં 14 વર્ષની સ્વિમર ધીનિધિ છવાઈ ગઈ…

જશ મોદી આ જ નૅશનલ ગેમ્સમાં મહારાષ્ટ્ર વતી ટીમ કૅટેગરીમાં સિલ્વર મેડલ તેમ જ મિક્સ્ડ-ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ પણ જીત્યો છે. તેણે ટેબલ ટેનિસ જગતમાં જાણીતા ખેલાડી સાથિયાનને હરાવ્યા પછી એક મુલાકાતમાં કહ્યું હતું કે `તે મારી સામે આસાનીથી કોઈ પૉઇન્ટ ન જીતી જાય એની મેં ખાસ તકેદારી રાખી હતી. તેણે મારી સામે એકેએક પૉઇન્ટ ભારે સંઘર્ષથી જીતવો પડ્યો હતો. નિર્ણાયક સેટમાં મેં વધુને વધુ ફૉરહૅન્ડ રમવાનો અપ્રોચ રાખ્યો હતો, કારણકે અગાઉના બધા સેટમાં હું ફૉરહૅન્ડથી જ વધુ પૉઇન્ટ મેળવી શક્યો હતો.’

સિંગલ્સમાં તામિલનાડુની સેલેના દીપ્તિ સેલ્વાકુમાર પણ ટેબલ ટેનિસમાં પહેલી વાર નૅશનલ ગેમ્સનો ગોલ્ડ મેડલ જીતી હતી. તેણે ફાઇનલમાં મહારાષ્ટ્રની સ્વસ્તિકા ઘોષને 4-3થી હરાવી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button