શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસે બ્રૅડમૅનની બરાબરી કરી, જાણો શેમાં…
ગૉલ: શ્રીલંકાએ બુધવારે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે બૅટિંગ પસંદ કર્યા બાદ સાત વિકેટે 302 રન બનાવ્યા હતા. મિડલ-ઑર્ડર બૅટર કામિન્દુ મેન્ડિસ (173 બૉલમાં 114 રન) પ્રારંભિક દિવસનો સુપરસ્ટાર હતો. તેણે ડેબ્યૂ પછીના 11મા ટેસ્ટ-દાવમાં ચોથી સેન્ચુરી ફટકારીને ઑસ્ટ્રેલિયાના સર ડોનાલ્ડ બ્રૅડમૅનની બરાબરી કરી હતી. બ્રૅડમૅને પણ 11મી ઇનિંગ્સમાં ચોથી સદી ફટકારી હતી. જોકે આ સંબંધમાં જ્યોર્જ હેડલી, સુનીલ ગાવસકર અને વિનોદ કાંબળીનો વર્લ્ડ રેકૉર્ડ છે. તેમણે ચોથી ટેસ્ટ સદી શરૂઆતની આઠ ઇનિંગ્સમાં ફટકારી હતી.
મેન્ડિસે પોતાના દેશના માઇકલ વેન્ડોર્ટનો 21મી ઇનિંગ્સમાં ચોથી ટેસ્ટ સદીનો શ્રીલંકન રેકૉર્ડ તોડી નાખ્યો છે.
શ્રીલંકાએ 7 વિકેટે 302 રન 88 ઓવરમાં બનાવ્યા હતા. વિકેટકીપર કુસાલ મેન્ડિસ 50 રન બનાવીને આઉટ થયો હતો. અન્ય કોઈ બૅટર 40 રન પણ નહોતો બનાવી શક્યો.
છ કિવી બોલર્સમાં પેસ બોલર વિલિયમ ઓ’રુરકેએ સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ ગ્લેન ફિલિપ્સે બે અને કૅપ્ટન ટિમ સાઉધી તથા એજાઝ પટેલે એક-એક વિકેટ લીધી હતી.