ભારતની તીરંદાજ જ્યોતિએ રચ્યો ઇતિહાસ, અભિનંદનની વર્ષા થઈ

નૅન્જિંગ (ચીન): ભારતની જ્યોતિ સુરેખા વેન્નમ (Jyothi Surekha Vennam) નામની તીરંદાજે દેશ માટે નવો ઇતિહાસ રચ્યો છે. તે તીરંદાજીમાં વર્લ્ડ કપના કમ્પાઉન્ડ વર્ગમાં મેડલ જીતનારી દેશની પ્રથમ મહિલા આર્ચર બની છે.જ્યોતિ પર કેન્દ્ર સરકાર સહિત દેશભરમાંથી અભિનંદનની વર્ષા થઈ છે.
29 વર્ષની જ્યોતિ એશિયન ગેમ્સ ચૅમ્પિયન છે. તે અહીં બ્રૉન્ઝ મેડલ જીતી છે. કાંસ્ય ચંદ્રક માટેની હરીફાઈમાં જ્યોતિએ 15 તીર સચોટ નિશાન પર લગાવીને બ્રિટનની એલ્લા ગિબ્સન Ella Gibson)ને હરાવી દીધી હતી. આ મુકાબલાને અંતે જ્યોતિએ 150-145ના સ્કોરથી જીત હાંસલ કરી હતી અને ત્રીજું સ્થાન મેળવતાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

આઠ સ્પર્ધક વચ્ચેના વર્લ્ડ કપ ફિનાલેમાં જ્યોતિએ ક્વૉર્ટર ફાઇનલ મુકાબલો પણ ભારે રસાકસી વચ્ચે જીતી લીધો હતો. તેણે એમાં અમેરિકાની ઍલેક્સીસ રુઇઝને 143-140થી પરાજિત કરી હતી.
જોકે રસાકસીભરી સેમિ ફાઇનલમાં જ્યોતિનો મેક્સિકોની વર્લ્ડ નંબર-વન ઍન્ડ્રિયા બેકેરા સામે 143-145થી પરાભવ થયો હતો. જ્યોતિએ એ મુકાબલામાં વિશ્વની નંબર-વનને જોરદાર ટક્કર આપી હતી અને જરાક માટે ફાઇનલમાં પહોંચવાનું ચૂકી ગઈ હતી.
આ પણ વાંચો: 2022માં બૉમ્બ બ્લાસ્ટમાં ઈજા, 2025માં તીરંદાજીમાં વર્લ્ડ ચૅમ્પિયન
જ્યોતિ 2021ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી હતી. વર્લ્ડ કપની ફાઇનલમાં તેનો આ ત્રીજો પ્રવેશ હતો અને એમાં મેડલ જીતી. અગાઉની બે ફાઇનલમાં (2022માં અને 2023માં) તે પ્રથમ રાઉન્ડમાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.
પુરુષોના વર્ગમાં ભારતનો નંબર-વન તીરંદાજ રિષભ યાદવ જરાક માટે બ્રૉન્ઝ મેડલ ચૂકી ગયો હતો.