જૂન મહિનાનો ટી-20 વર્લ્ડ કપ ખતરામાં આવી ગયો…જાણો શા માટે

પોર્ટ ઑફ સ્પેન: અમેરિકામાં ક્યારેક મૉલમાં તો ક્યારેક કોઈ પર્યટક સ્થળે તો ક્યારેક ધમધમતા જાહેર સ્થાને આતંકવાદી હુમલો થતો રહે છે એટલે ત્યાં પ્રજાના દિલોદિમાગમાં હુમલાનો હાઉ સતત રહ્યા કરે છે. જોકે પૂર્વસાવચેતીના પગલાં પણ લેવામાં આવતા હોય છે અને શકમંદોની ધરપકડ પણ કરવામાં આવતી હોય છે.
હવે અમેરિકામાં ક્રિકેટની રમતની બાબતમાં સૌથી મોટો અવસર આવી રહ્યો છે એટલે સ્વાભાવિક રીતે ટેરરિસ્ટ જૂથો ખાસ પ્રયત્નો સાથે સક્રિય થશે.
વાત એવી છે કે પહેલી જૂનથી અમેરિકામાં અને પાડોશમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે મેન્સ ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. આ વિશ્ર્વકપના આયોજનને આડે મોટું વિઘ્ન આવી રહ્યું છે. વર્લ્ડ કપ દરમ્યાન ખાસ કરીને વેસ્ટ ઇન્ડિઝમાં ટેરર-અટૅક થવાની ધમકી મળી છે.
ટ્રિનિદાદના વડા પ્રધાન ડૉ. કીથ રૉવ્લીએ આવી ધમકી મળી હોવાનું જાહેર કરવાની સાથે કહ્યું છે કે ‘કમનસીબે, આતંકવાદી હુમલાનો ભય એકવીસમી સદીના આ યુગમાં સતત રહ્યા જ કરતો હોય છે.’
જોકે આ વર્લ્ડ કપના મુખ્ય આયોજક ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ભારપૂર્વક જણાવ્યું છે કે ‘હુમલાના કોઈ પણ પ્રકારના ભયને ખાળવા સલામતીની વ્યાપક અને જડબેસલાક યોજના ઘડાઈ ગઈ છે.’
1-29 જૂનના આ વર્લ્ડ કપમાં 20 દેશ ભાગ લેશે. વર્લ્ડ કપ માટેના નવમાંથી છ સ્થળ વેસ્ટ ઇન્ડિઝમાં અને ત્રણ સ્થળ અમેરિકામાં છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો નવમી જૂનનો જંગ ન્યૂ યૉર્કમાં થવાનો છે.
આતંકવાદી હુમલાનો ભય ખાસ કરીને વેસ્ટ ઇન્ડિઝમાં છે. વેસ્ટ ઇન્ડિઝના છ સ્થળમાં ઍન્ટિગા, બાર્બેડોઝ, ગયાના, સેન્ટ લ્યુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડાનો સમાવેશ છે. અમેરિકામાં વર્લ્ડ કપની મૅચો ન્યૂ યૉર્ક, લૉડરહિલ (ફ્લોરિડા) અને ડૅલસ (ટેક્સસ)માં રમાશે.
વર્લ્ડ કપમાં કયું આતંકવાદી જૂથ હુમલો કરી શકે એનું રૉવ્લીએ સત્તાવાર રીતે નામ તો નહોતું આપ્યું, પરંતુ અહીં મળતા અહેવાલો જણાવે છે કે ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ એના પ્રચાર માધ્યમ દ્વારા આ ધમકી પહોંચાડી છે.