જૉસ બટલરનું 40 માળની ઊંચાઈનું મૅજિક: જાણો, તે કેવી રીતે ગિનેસ બુકમાં આવી ગયો!

મુંબઈ: ઇંગ્લૅન્ડનો વિકેટકીપર-બૅટ્સમૅન જૉસ બટલર (Jos Buttler) આ વખતે વર્લ્ડ કપમાં હજી સુધી જોઈએ એવું સારું પર્ફોર્મ નથી કરી શક્યો, પરંતુ થોડા સમય પહેલાં તેણે મેદાનની બહાર એક અજબ વર્લ્ડ રેકૉર્ડ કર્યો જેની વિગતો, વીડિયો અને ફોટા જાહેર કરવામાં આવતાં તે સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. આ વિશ્વવિક્રમ બદલ તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં લખાઈ ગયું છે.
આ ડાયનૅમિક બ્રિટિશ ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય મૅચ સિવાયની એક ઇવેન્ટમાં આ અપ્રતિમ સિદ્ધિ મેળવીને કરોડો ચાહકો તેમ જ સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધા છે. તેના જ દેશનો મહાન ક્રિકેટર કેવિન પીટરસન (Pietersen) તેની આ અવિરલ સિદ્ધિનો સાક્ષી છે.
ડ્રોનમાંથી બૉલ છૂટ્યો અને…
35 વર્ષની ઉંમરના જૉસ ચાર્લ્સ બટલરે સૌથી ઊંચા કૅચ (Catch)નો વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. ડ્રોનમાંથી 122 મીટરની ઊંચાઈએથી (લગભગ 40 માળ ઊંચેથી) બૉલ ફેંકવામાં આવ્યો હતો અને બટલરે એ આબાદ ઝીલી લીધો હતો. એ સાથે જ તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં આવી ગયું છે. તેનો આ વિક્રમ અગાઉના કોઈ પણ ઊંચામાં ઊંચા કૅચથી ચડિયાતો છે.
GUINNESS BOOK OF WORLD RECORD BY JOS BUTTLER
— Richard Kettleborough (@RichKettle07) February 12, 2026
– Jos Buttler took the world’s highest catch ever
Height: 122 meters
Location: Cape Town
Method: A drone dropped the ball from the sky
– 122 meters is roughly the height of a 40-story building pic.twitter.com/Aqq3vl1wUf
ન્યૂ વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર બટલર
ડ્રોનમાંથી 122 મીટરની ઊંચાઈએથી બૉલ રિલીઝ કરવામાં આવ્યો એ સાથે જ બટલરે એકાગ્રતા અને ટાઈમિંગ સાથે એ બૉલને સીધો પોતાના ગ્લવ્ઝમાં લઈ લીધો હતો.
વાનખેડેમાં માત્ર 21 રન કર્યા
બટલર વર્તમાન વર્લ્ડ કપમાં જોઈએ એવું સારું નથી રમ્યો. બુધવારે વાનખેડેમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચમાં તેણે 14 બૉલમાં 21 રન કર્યા હતા અને પછીથી ઇંગ્લૅન્ડનો 30 રનથી પરાજય થયો હતો. એ પહેલાં, આઠમી ફેબ્રુઆરીએ નેપાળ સામે તેણે
17 બૉલમાં 26 રન કર્યા હતા અને ઇંગ્લૅન્ડ માંડ માંડ ચાર રનથી જીત્યું હતું.
ઇવેન્ટ કેપ ટાઉનમાં યોજાઈ
જોકે રેકૉર્ડ બ્રેક કૅચને કારણે સોશિયલ મીડિયામાં બટલરની ફરી વાહ વાહ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય અમ્પાયર રિચર્ડ કેટલબરોના જણાવ્યા મુજબ બટલરની કૅચવાળી આ ઇવેન્ટ તાજેતરમાં કેપ ટાઉનમાં યોજાઇ હતી અને ત્યારે 122 મીટરની ઊંચાઈએથી (40 માળ ઊંચેથી) ફેંકવામાં આવેલો બૉલ બટલરે ભારે જહેમત ઉઠાવ્યા બાદ છેવટે આસાનીથી ઝીલી લીધો હતો.
બટલરે કોનો રેકૉર્ડ તોડ્યો?
ઑસ્ટ્રેલિયાના જ ટિમૉથી શૅનન જેબાસીલૅન નામના વિકેટકીપરે 2021ની સાલમાં 119.86 મીટરની ઊંચાઈએથી ફેંકવામાં આવેલો બૉલ ઝીલી લીધો હતો અને એ વર્લ્ડ રેકૉર્ડ જૉસ બટલરે તોડ્યો છે.



