બટલરે (Jos Buttler) કેમ પાકિસ્તાન સામેની અત્યંત મહત્ત્વની નિર્ણાયક ટી-20માં રમવાનું ટાળ્યું?
કાર્ડિફ: આઇપીએલ-2024માં રાજસ્થાન રૉયલ્સને પ્લે-ઑફમાં પહોંચાડ્યા બાદ પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝને કારણે પોતાના દેશના બીજા સાત ખેલાડીઓ સાથે ઇંગ્લૅન્ડ પાછા જતા રહેલા વિકેટકીપર-બૅટર જૉસ બટલરે પચીસમી મેએ પ્રથમ ટી-20 મૅચમાં 84 રન બનાવીને મૅચ-વિનિંગ કર્યું, પણ શ્રેણીની પ્રથમ ટી-20 વરસાદને લીધે ન રમાયા બાદ હવે મંગળવારે ત્રીજી મૅચ નિર્ણાયક બનવાની હતી, પરંતુ તેણે એ મૅચમાં ન રમવાની જાહેરાત કરી દીધી હતી. તેની ગેરહાજરીમાં મોઇન અલીને કેપ્ટન્સી સોંપાઈ હતી.
કોઈને થશે કે ઇંગ્લૅન્ડનો ટી-20 કૅપ્ટન ટી-20ના વર્લ્ડ કપને માંડ ત્રણ દિવસ બાકી હોય ત્યારે કઈ રીતે પોતાની ટીમની મૅચમાં રમવાનું ટાળી શકે? તો એનું કારણ એ છે કે તેની પત્ની લુઇઝી ત્રીજા બાળકને જન્મ આપવાની હોવાથી તેની પાસે રહેવા બટલરે નિર્ણાયક મૅચમાં રમવાનું રદ કર્યું હતું.
સિરીઝની બીજી મૅચમાં ઇંગ્લૅન્ડે બટલરના (84 રન, 51 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) સુપર-પર્ફોર્મન્સની મદદથી સાત વિકેટે 183 રન બનાવ્યા હતા. શાહીન આફ્રિદીએ ત્રણ તેમ જ હૅરિસ રઉફ અને ઇમાદ વસીમે બે-બે વિકેટ લીધી હતી. પાકિસ્તાનની ટીમ ફખર ઝમાનના 45 રન અને કૅપ્ટન બાબર આઝમના 32 રનની મદદથી બનેલા માત્ર 160 રને ઑલઆઉટ થઈ ગઈ હતી.
ઇંગ્લૅન્ડના રીસ ટૉપ્લીએ ત્રણ તેમ જ મોઇન અલી અને જોફ્રા આર્ચરે બે-બે વિકેટ લીધી હતી.