કેપ્ટન બટલરે ભારત સામે હાર્યા પછી કહ્યું, મેં મોટી ભૂલ એ કરી કે…
પ્રોવિડન્સ (ગયાના): ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લૅન્ડની ગુરુવારે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભારત સામે નામોશી થઈ ત્યાર પછી પરાજિત કેપ્ટન જૉસ બટલરે એક મોટી ભૂલ કબૂલી હતી. તેણે કહ્યું હતું કે કાશ, મેં અમારા મહત્વના સ્પિનર મોઇન અલીને પણ બોલિંગ આપી હોત તો અમને ફાયદો થયો હોત.’
ભારતે આ મોટો મુકાબલો બે સ્પિનર અક્ષર પટેલ (4-0-23-3) અને કુલદીપ યાદવ (4-0-19-3)ના તરખાટને લીધે જ આસાનીથી જીતી લીધો હતો. ભારતે ત્રીજી વિકેટ માટેની રોહિત તથા સૂર્યકુમાર વચ્ચેની 73 રનની ભાગીદારીની મદદથી સાત વિકેટે 171 રન બનાવ્યા પછી ઇંગ્લૅન્ડને બરાબર 100 બૉલમાં 103 રનના સ્કોરે ઑલઆઉટ કરીને 68 રનથી વિજય મેળવી લીધો હતો.
ભારતના બે સ્પિનરના તરખાટ પહેલાં એ જ પિચ પર ભારતની ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડના કેપ્ટન જૉસ બટલરે ચાર પેસ બોલર ઉપરાંત બે સ્પિનર આદિલ રાશિદ (4-0-25-1) અને લિઆમ લિવિંગસ્ટન (4-0-24-0)ની પણ મદદ લીધી હતી. જોકે બટલરે મુખ્ય સ્પિનર મોઈન અલીને બોલિંગ જ નહોતી આપી.
ગયાનાની પિચ સ્પિનર-ફ્રેન્ડલી હતી. એના પર મૅચની શરૂઆત બાદ પછીથી બૉલ ધીમા અને નીચા રહેવાની સંભાવના હતી. બટલરે મૅચ પછી એક મુલાકાતમાં કહ્યું કે ‘ભારતીય ટીમે દરેક બાબતમાં અમારાથી ચડિયાતું પર્ફોર્મ કર્યું. તેઓ જ વિજયને લાયક હતા. જોકે અમે ભારતને 20થી 25 રન ઓછા કરવા દીધા હોત તો મૅચનું પરિણામ કદાચ જુદું હોત.’
સુકાની બટલરે ઇન્ટરવ્યૂમાં મોઈન અલીના મુદ્દે ભૂલ કબૂલ કરતા કહ્યું કે ‘ મારે આદિલ અને લિવિંગસ્ટન ઉપરાંત મોઈન અલીને પણ બોલિંગ આપવી જોઈતી હતી. આ ટર્નિંગ પિચ પર સ્પિનર્સ વધુ સફળ થયા એ જોતાં મોઈનની બોલિંગથી અમને ફાયદો થયો હોત. જોકે એક તબક્કે મેં જોયું કે આદિલ અને લિવિંગસ્ટનના સ્પિનની ભારતીય બૅટર્સ પર ખાસ કંઈ અસર નથી થતી એટલે મેં મોઇનને બોલિંગ આપવાનું ટાળ્યું હતું. વરસાદનો માહોલ પણ હતો એટલે ત્યારે મને થયું કે મોઈનને બોલિંગ આપવાથી ખાસ કંઈ ફરક નહીં પડે.’