ભારતીય બૅટ્સમેનોને પડકાર, ઇંગ્લૅન્ડે ચાર વર્ષે આ ફાસ્ટ બોલરને ટીમમાં સમાવ્યો

બર્મિંગહૅમઃ ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીના બૅનર હેઠળ રમાતી પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણીમાં એક તરફ ભારતની પેસ બોલિંગ લીડ્સની પહેલી જ ટેસ્ટમાં ઉઘાડી પડી ગઈ ત્યાં વિજેતા બ્રિટિશ ટીમે હવે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર (JOFRA ARCHER)નો ઉમેરો કરીને બીજી ટેસ્ટ માટેની ટીમ વધુ મજબૂત બનાવી છે.
લીડ્સના હેડિંગ્લી ગ્રાઉન્ડ પર મંગળવારે ભારત (INDIA)નો પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટે પરાજય થયો હતો. હવે બીજી ટેસ્ટ બુધવાર, બીજી જુલાઈથી એજબૅસ્ટનમાં રમાશે.
જોકે 13 ટેસ્ટ રમેલા આર્ચરે છેલ્લા થોડા વર્ષો દરમ્યાન કોણીની ઈજાને લીધે ઘણી મૅચો ગુમાવી છે. તે છેલ્લે ચાર વર્ષ પહેલાં ટેસ્ટ રમ્યો હતો. ભારત સામેની એ ટેસ્ટ અમદાવાદમાં રમાઈ હતી.
આ પણ વાંચો: પહેલી મેચ હાર્યા પછી શુભમન ગિલ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે કે શું?
ઇંગ્લૅન્ડ (ENGLAND)ના ક્રિકેટ બોર્ડે એક યાદીમાં જણાવ્યું હતું કે ` 30 વર્ષનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ફેબ્રુઆરી, 2021 બાદ પહેલી વાર ફરી ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવ્યો છે. આગામી ટેસ્ટ માટેની ઇલેવનમાં તેનો સમાવેશ કરાશે એવી અમને આશા છે.’
લીડ્સની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમમાં બન્ને દાવ મળીને કુલ પાંચ સેન્ચુરી થઈ હોવા છતાં ભારતે છેવટે પરાજય જોવો પડ્યો જે 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે. ભારતે બન્ને ઇનિંગ્સમાં કુલ 835 રન બનાવ્યા એમ છતાં ભારત હાર્યું અને ઇંગ્લૅન્ડે (ENGLAND) જીતીને 1-0થી સરસાઈ મેળવી લીધી છે.
ઇંગ્લૅન્ડની 15 પ્લેયરની સ્ક્વૉડઃ
બેન સ્ટૉક્સ (કૅપ્ટન), ઑલી પૉપ (વાઇસ-કૅપ્ટન), જૅમી સ્મિથ (વિકેટકીપર), બેન ડકેટ, ઝૅક ક્રૉવ્લી, હૅરી બ્રૂક, જૉ રૂટ, સૅમ કૂક, જોફ્રા આર્ચર, જેકબ બેથેલ, શોએબ બશીર, બ્રાયડન કાર્સ, જૅમી ઓવર્ટન, જૉશ ટન્ગ અને ક્રિસ વૉક્સ.