સ્પોર્ટસ

IND VS ENG: ઇંગ્લૅન્ડની ટીમ પર ભારતીય બોલરોના વર્ચસ્વ પછી જો રૂટની લડાયક સદી

આકાશ દીપનો ડેબ્યૂમાં જ તરખાટ અને સિરાઝના બે ઝટકાએ બ્રિટિશરોને મુસીબતમાં મૂકી દીધા હતા

રાંચી: ઇંગ્લૅન્ડે અહીં પાંચ મૅચવાળી ટેસ્ટ-સિરીઝની ચોથી મૅચમાં પહેલા દિવસે પ્રથમ દાવમાં ખરાબ શરૂઆત કર્યા પછી એકલા હાથે ઝઝૂમનાર જો રૂટની લડાયક સદીની મદદથી નિર્ધારિત 90 ઓવરમાં સાત વિકેટે 302 રન બનાવ્યા હતા અને મોટી મુશ્કેલીમાંથી ઊગર્યા પછીના આ સન્માનજનક ટોટલ સાથે સિરીઝમાં રહીસહી આબરૂ પાછી મેળવવા પૂરતા પ્રયાસ કર્યા હતા.

આ મૅચમાં લંચ બ્રેક પહેલાંનું સત્ર નવા પેસ બોલર આકાશ દીપના નામે લખાયું હતું. બિહારના 27 વર્ષના આ બોલરે પહેલી જ ઇન્ટરનૅશનલ મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમને ઉપરાઉપરી ત્રણ ઝટકા આપ્યા હતા. બ્રિટિશરોએ 47મા રને બે વિકેટ અને 57મા રને એક વિકેટ ગુમાવી હતી અને એ ત્રણેય વિકેટ આકાશ દીપે લીધી હતી. તેના આ તરખાટે રાંચીના સ્ટેડિયમને ગજવી મૂક્યું હતું અને બ્રિટિશરોની છાવણીમાં સોપો પાડી દીધો હતો.

રાજકોટની ટેસ્ટના પ્રથમ દાવમાં લડાયક 153 રન બનાવનાર ઓપનર બેન ડકેટને આકાશ દીપે ઑફ સ્ટમ્પની બહાર બૉલ ફેંક્યો હતો જેમાં ડકેટના બૅટની કટ વાગ્યા પછી બૉલ સ્ટમ્પ્સની પાછળ ગયો હતો અને નવા વિકેટકીપર ધ્રુવ જુરેલે કૅચ પકડીને આકાશને કરીઅરની પ્રથમ વિકેટ અપાવી હતી. આકાશની ઓવરનો એ બીજો બૉલ હતો અને એ જ ઓવરના ચોથા બૉલમાં હૈદરાબાદની પ્રથમ ટેસ્ટનો હીરો ઑલી પૉપ (1 અને 196 રન) એલબીડબ્લ્યૂ થયો હતો. આકાશ દીપે ઓવરમાં મળેલી બે સફળતાના ઉત્સાહને જરાય ઓસરવા નહોતો દીધો અને પોતાની પછીની ઓવરમાં તેણે ઝૅક ક્રૉવ્લીને ક્લીન બોલ્ડ કરીને તેને હાફ સેન્ચુરી સુધી પણ નહોતો પહોંચવા દીધો. ત્યારે 57મા રને ક્રૉવ્લીની ત્રીજી વિકેટ હતી અને એ 57 રનમાંથી 42 રન ક્રૉવ્લીના હતા.

આકાશ દીપે માત્ર 10 બૉલમાં ત્રણ વિકેટનો તરખાટ મચાવ્યો હતો. જોકે પછીથી તેને કોઈ સફળતા નહોતી મળી અને છેવટે તેની 17-0-70-3ની બોલિંગ ઍનેલિસિસ રી હતી. બીજા ત્રણ ભારતીય બોલરોને પણ વિકેટ લેવામાં સફળતા મળી હતી. મોહમ્મદ સિરાજને 60 રનમાં બે વિકેટ મળી હતી. રવિચન્દ્રન અશ્વિન સૌથી ખર્ચાળ રહ્યો હતો. તેને એક વિકેટ 83 રનના ખર્ચે મળી હતી. રવીન્દ્ર જાડેજાને પંચાવન રનમાં એક વિકેટ મળી હતી. કુલદીપ યાદવને 10 ઓવર મળી હતી જેમાં તેને વિકેટ નહોતી મળી, પરંતુ તેણે ફક્ત 21 રન આપ્યા હતા. એક ઓવર માટે યશસ્વી જયસ્વાલના લેગબ્રેકને ચકાસવામાં આવ્યા હતા જેમાં બ્રિટિશ બૅટર્સે છ રન બનાવ્યા હતા.

Joe Root's fighting century after the Indian bowlers dominated the England team
English Jagran

જો રૂટે 108 બૉલમાં હાફ સેન્ચુરી અને 219 બૉલમાં સેન્ચુરી પૂરી કરી એ જ બતાવે છે કે તેણે બાઝબૉલનો (આક્રમક અભિગમથી રમવાનો) મોહ છોડીને નૅચરલ ગેમ પર જ ફૉકસ રાખવાની પોતાના દેશના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓની સલાહને અનુસરીને 31મી ટેસ્ટ-સેન્ચુરી પૂરી કરી હતી.

જો રૂટ આઠ મહિને ફરી સેન્ચુરી ફટકારવામાં સફળ થયો છે. એ આઠ મહિના દરમ્યાનની 14 ઇનિંગ્સમાં તે બાઝબૉલની આદતને લીધે સદીથી વંચિત રહ્યો હતો. બે વખત તે સેન્ચુરીની નજીક પહોંચ્યો હતો, પણ એમાં અસફળ રહ્યો હતો. જુલાઈ, 2023માં તે મૅન્ચેસ્ટરમાં ઑસ્ટ્રેલિયા સામે 84મા રને આઉટ થયો હતો અને એ જ મહિનામાં ઓવલમાં કાંગારૂઓ સામે 91 રને વિકેટ ગુમાવી બેઠો હતો.

જો રૂટ અને વિકેટકીપર બેન ફૉક્સ (126 બૉલમાં 47 રન) વચ્ચે 261 બૉલમાં છઠ્ઠી વિકેટ માટે 113 રનની પાર્ટનરશિપ થઈ હતી જે ભારતને ભારે પડી હતી. જો એ ભાગીદારી ન થઈ હોત તો ઇંગ્લૅન્ડની ટીમ કદાચ 200 રન સુધી પણ ન પહોંચી શકી હોત. જૉની બેરસ્ટૉ 35 બૉલમાં 38 રન બનાવીને ટૂંકી ઇનિંગ્સમાં અશ્ર્વિનના બૉલમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો.

જો રૂટને ટૉમ હાર્ટલીની 245મા રને વિકેટ પડ્યા પછી કમબૅકમૅન ઑલી રૉબિન્સનનો છેક સુધી સારો સાથે મળ્યો હતો. બન્ને વચ્ચે આઠમી વિકેટ માટે 57 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. રૉબિન્સન 60 બૉલમાં એક સિક્સર અને ચાર ફોરની મદદથી 31 રન બનાવીને નૉટઆઉટ રહ્યો હતો. એ પહેલાં, કૅપ્ટન બેન સ્ટૉક્સ માત્ર ત્રણ જ રનના તેના સ્કોર પર જાડેજાનો શિકાર થયો હતો. જાડેજાએ તેને લેગ બિફોર વિકેટમાં પૅવિલિયન ભેગો કર્યો હતો.

શનિવારે બ્રિટિશ ટીમનો સ્કોર 400ને પાર કરશે તો ભારતીય ટીમે સરસાઈ લેવા ભારે મહેનત કરવી પડશે. સિરીઝમાં ભારત 2-1થી આગળ છે અને સ્થિતિ 2-2ની બરાબરીમાં ન આવે એ માટે રોહિત શર્મા ઍન્ડ કંપનીએ જબરદસ્ત ટીમ વર્કથી અને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે લીડ મેળવીને બેન સ્ટૉક્સની ટીમને મુસીબતમાં લાવવી જ પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button