ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કૅચ ઝીલવાનો જૉ રૂટનો વિશ્વવિક્રમ

લંડનઃ લૉર્ડ્સ(Lord’s)ની ટેસ્ટમાં 331 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 199 બૉલમાં 10 ફોરની મદદથી 104 રન બનાવીને જૉ રૂટ (Joe Root) ભારતીય ટીમને સૌથી વધુ ભારે પડ્યો, પરંતુ ત્યાર પછી તેણે ફીલ્ડિંગમાં પણ કમાલ બતાવી હતી. તેણે ભારતની 21મી ઓવરમાં વનડાઉન બૅટ્સમૅન કરુણ નાયર (40 રન)નો બેન સ્ટૉક્સના બૉલમાં જે કૅચ ઝીલ્યો એ ટેસ્ટ ક્રિકેટમાં તેનો 211મો કૅચ હતો અને એ સાથે તેણે 148 વર્ષ જૂની ટેસ્ટ ક્રિકેટમાં રાહુલ દ્રવિડ (Rahul Dravid)નો સૌથી વધુ 210 કૅચનો 13 વર્ષ જૂનો વિક્રમ તોડી નાખ્યો હતો.
જૉ રૂટની આ 156મી ટેસ્ટ છે. તેણે 180 વન-ડેમાં 88 કૅચ અને 32 ટી-20માં 16 કૅચ ઝીલ્યા છે. ઇંગ્લૅન્ડની ફર્સ્ટ-ક્લાસ સ્તરની ક્રિકેટમાં તે 260 કૅચ પકડી ચૂક્યો છે.
આપણ વાંચો: કપિલથી આગળ નીકળી ગયો બુમરાહ, હવે એક જ બોલર તેનાથી આગળ છે
દ્રવિડે 1996થી 2012 સુધીની શાનદાર કરીઅર દરમ્યાન કુલ 210 કૅચ ઝીલ્યા હતા. સ્લિપના આ બે દિગ્ગજ ફીલ્ડરના પછી ત્રીજા ક્રમે માહેલા જયવર્દને છે. આ શ્રીલંકન ખેલાડીએ 1997થી 2014 સુધીની કારકિર્દી દરમ્યાન કુલ 205 કૅચ ઝીલ્યા હતા.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કૅચ ઝીલનારા ફીલ્ડરોની યાદીમાં ભારતીયોમાં બીજા નંબરના દ્રવિડ પછીનો ભારતીય પ્લેયર છેક 16મા સ્થાને છે. 16મા નંબર પર વીવીએસ લક્ષ્મણ છે જેણે 135 કૅચ પકડ્યા હતા.