જેમિમા રૉડ્રિગ્સ બની ગઈ કૅપ્ટન! જાણો કઈ ટીમની કમાન સંભાળશે…

નવી દિલ્હીઃ ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટીમની સ્ટાર બૅટર અને ભૂતપૂર્વ વિશ્વ વિજેતા ઑસ્ટ્રેલિયા સામે અણનમ 127 રન કરીને ભારતને વર્લ્ડ કપની સેમિ ફાઇનલ જિતાડનાર જેમિમા રૉડ્રિગ્સ(Jemimah Rodrigues)ને દિલ્હી કૅપિટલ્સ (ડીસી)ની કૅપ્ટનપદે નિયુક્ત કરવામાં આવી છે.
પચીસ વર્ષની જેમિમાને ઑસ્ટ્રેલિયાની મેગ લેનિંગના સ્થાને ડીસીની કૅપ્ટન બનાવવામાં આવી છે. તે 2026ના ફેબ્રુઆરીમાં શરૂ થનારી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની ચોથી સીઝનમાં ડીસીનું સુકાન સંભાળશે.
CAPTAIN ROCKSTAR IS HERE TO RULE pic.twitter.com/1fl0NWEPaj
— Delhi Capitals (@DelhiCapitals) December 23, 2025
જેમિમાએ કહ્યું, ` ડીસીની ટીમનું સુકાન સંભાળવામાં હું ગૌરવ અનુભવીશ. આ ટીમના નેતૃત્વ માટે મારા પર ભરોસો મૂકનાર ટીમના માલિકો અને સપોર્ટ સ્ટાફની હું આભારી છું. 2025નું વર્ષ મારા માટે અને મારા પરિવાર માટે યાદગાર બન્યું છે. ભારત વર્લ્ડ કપ જીત્યું અને હવે મને ડીસીના નેતૃત્વની જવાબદારી સોંપાઈ છે.’
2023ના પ્રથમ વર્ષમાં જેમિમાને ડીસીના ફ્રૅન્ચાઇઝીએ મેળવી હતી અને તેણે ડબ્લ્યૂપીએલની 27 મૅચમાં 139.67ના સ્ટ્રાઇક-રેટ સાથે 507 રન કર્યા છે. તે ત્રણેય સીઝનની ફાઇનલમાં રમી ચૂકી છે. જેમિમાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કુલ 113 ટી-20 મૅચમાં કુલ 2,444 રન કર્યા છે જેમાં 14 હાફ સેન્ચુરીનો સમાવેશ છે. 10મી જાન્યુઆરીએ ડબ્લ્યૂપીએલની ડી. વાય. પાટીલ ખાતેની પ્રથમ મૅચમાં દિલ્હી કૅપિટલ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે.



