એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમવાર જીત્યો ગોલ્ડ મેડલ, જેમિમા-તિતાસ ચમક્યા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં ભારતે શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 46 રનની ઇનિંગ રમી હતી. જ્યારે જેમિમાહ રોડ્રિગ્સે 42 રન બનાવ્યા હતા.
જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 97 રન બનાવી શકી હતી. ભારત તરફથી તિતાસ સાધુએ ત્રણ અને રાજેશ્વરી ગાયકવાડે બે વિકેટ ઝડપી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચ 19 રને જીતીને ગોલ્ડ જીત્યો હતો. જ્યારે ત્રીજા સ્થાન માટેની મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શેફાલી વર્મા 15 બોલમાં નવ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી સ્મૃતિએ જેમિમા સાથે મળીને બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. રણવીરાએ આ ભાગીદારી તોડી હતી. તેણે મંધાનાને આઉટ કરી હતી. મંધાનાએ 45 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 46 રનની ઇનિંગ રમી હતી.
રિચા ઘોષ નવ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી અને કેપ્ટન હરમનપ્રીત કૌર બે રન બનાવીને આઉટ થઈ હતી અને પૂજા વસ્ત્રાકર બે રન બનાવીને આઉટ થઈ હતી. જેમિમાહ રોડ્રિગ્સે 40 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 42 રનની ઇનિંગ રમી હતી. દીપ્તિ અને અમનજોત એક-એક રન બનાવીને અણનમ રહ્યા હતા. શ્રીલંકા તરફથી ઉદેશિકા પ્રબોધની, સુગંદિકા કુમારી અને ઈનોકા રાનાવીરાએ બે-બે વિકેટ લીધી હતી.
જવાબમાં શ્રીલંકાની ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. તિતાસ સાધુએ શાનદાર પ્રદર્શન કર્યું અને ચમારી અટાપટ્ટુ (12), અનુષ્કા સંજીવની (1) અને વિશ્મી ગુણરત્ને (0)ને પેવેલિયનમાં મોકલ્યા. આ પછી હસિની પરેરા અને નિલાક્ષી ડી સિલ્વાએ ચોથી વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી. પૂજાએ નિલાક્ષી (23)ને આઉટ કરીને ભાગીદારી તોડી હતી.
રાજેશ્વરીએ હસીની (25)ને આઉટ કરી. દીપ્તિએ ઓશાદી રાનાસિંઘે (19)ને આઉટ કરી હતી. દેવિકા વૈદ્યએ કવિશા દિલહારીને (5) અને રાજેશ્વરીએ સુગંદિકા કુમારીને આઉટ કરીને શ્રીલંકાની આશાનો અંત લાવી હતી. ભારત તરફથી તિટાસે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રાજેશ્વરીને બે વિકેટ મળી હતી. દીપ્તિ, પૂજા અને દેવિકાને એક-એક વિકેટ મળી હતી.