જય શાહ મળ્યા ઑલિમ્પિક્સનાં પ્રમુખને, ક્રિકેટ વિશે ભરપૂર ચર્ચા કરી | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

જય શાહ મળ્યા ઑલિમ્પિક્સનાં પ્રમુખને, ક્રિકેટ વિશે ભરપૂર ચર્ચા કરી

ઝુરિકઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન જય શાહ (JAY SHAH) સ્વિટ્ઝરલૅન્ડમાં ઑલિમ્પિક ગેમ્સનું સંચાલન કરનાર ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (IOC)નાં પ્રમુખ કિર્સ્ટી કૉવેન્ટ્રીને આ અઠવાડિયાની શરૂઆતમાં મળ્યા હતા અને તેમની સાથે ક્રિકેટ બાબતમાં ભરપૂર ચર્ચા કરી હતી. ખાસ કરીને, 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સથી ક્રિકેટના આ સૌથી મોટા રમતોત્સવમાં થનારાં પુનરાગમન બાબતમાં તેમણે એકમેકના વિચારો વ્યક્ત કર્યા હતા.

ક્રિકેટ સૌથી પહેલાં અને છેલ્લે 1900ની ઑલિમ્પિક્સમાં રમાઈ હતી અને ત્યાર પછી ક્રિકેટની મહાન રમતને અવગણવામાં આવી હતી. જોકે 128 વર્ષ બાદ હવે (2028માં) ક્રિકેટની રમત ઑલિમ્પિક ગેમ્સમાં કમબૅક કરી રહી છે.

1900ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ક્રિકેટની માત્ર એક મૅચ રમાઈ હતી અને ત્યાર બાદ 200 જેટલા દેશોના પ્રતિનિધિત્વ સાથે રમાતા આ રમતોત્સવમાંથી ક્રિકેટની રમતને અદૃશ્ય કરી નાખવામાં આવી હતી.

આપણ વાંચો: પાકિસ્તાને અફઘાનિસ્તાનના ક્રિકેટરોની હત્યા કરી એના પર આઇસીસી ચૅરમૅન જય શાહે પ્રતિક્રિયામાં કહ્યું કે…

જય શાહ આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયામાં પણ કૉવેન્ટ્રીને મળ્યા હતા અને ત્યારે પણ ઑલિમ્પિક્સમાં ક્રિકેટના કમબૅક વિશે તેમણે ઘણી ચર્ચા કરી હતી.

જય શાહે એક્સ પર પોતાના હૅન્ડલ પર લખ્યું છે, ` આઇઓસીનાં પ્રમુખ કિર્સ્ટી કૉવેન્ટ્રીને મળીને ખૂબ આનંદ થયો. અમે લૉસ ઍન્જલસની 2028ની ઑલિમ્પિક્સથી ક્રિકેટના આ રમતમાં થનારા કમબૅક બાબતમાં ખૂબ રસપ્રદ ચર્ચા કરી.

આ દિશામાં જે પ્રગતિ થઈ છે એની પણ અમે વાતો કરી હતી. અમે બન્ને એક વાત પર સંમત હતા કે ઑલિમ્પિક્સના વિકાસમાં ક્રિકેટની મહાન રમત ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવશે.’

લૉસ ઍન્જલસમાં 2028ની જે ઑલિમ્પિક ગેમ્સ યોજાશે એમાં પુરુષ અને મહિલા, બન્ને વર્ગમાં છ-છ ટીમની ટૂર્નામેન્ટ રમાશે. બન્ને વર્ગમાં યજમાન અમેરિકાની ટીમને આપોઆપ પ્રવેશ મળશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button