બાંગ્લાદેશ સામે બુમરાહનું સ્પેશિયલ ડેબ્યૂ, જાણો કેવી રીતે…
ચેન્નઈ: આગામી 19મી સપ્ટેમ્બરે ચેન્નઈમાં ચેપૉકના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૂ થશે જેમાં કેટલાક કારણસર જોરદાર રસાકસી જોવા મળી શકે. મુખ્ય કારણ એ છે કે નજમુલ શૅન્ટોના સુકાનમાં બાંગ્લાદેશની ટીમ હજી આ જ મહિને પાકિસ્તાન સામે એની જ ધરતી પર ઐતિહાસિક ટેસ્ટ-જીત અને પછી ઐતિહાસિક સિરીઝ-વિજય મેળવીને ભારત આવી રહી છે એટલે રોહિત શર્મા ઍન્ડ કંપનીએ બાંગ્લાદેશીઓના જોશ અને ઝનૂન સામે ખૂબ સાવધ રહેવું પડશે. બીજું, જસપ્રીત બુમરાહ માટે આ સ્પેશિયલ ટેસ્ટ અને સ્પેશિયલ ડેબ્યૂ બની શકે.
વાત એવી છે કે બુમરાહ ટેસ્ટ ફૉર્મેટમાં ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ સામે રમ્યો છે, પરંતુ પાડોશી દેશ બાંગ્લાદેશ સામે રમવાનો તેને હજી મોકો નથી મળ્યો. એ રીતે, બાંગ્લાદેશ સામે તેનું સ્પેશિયલ ડેબ્યૂ બની રહેશે. બીજું, પાકિસ્તાનને સિરીઝમાં બે પછડાટ આપીને શ્રેણીમાં એનો 2-0થી વ્હાઇટવૉશ કરનાર બાંગ્લાદેશને બુમરાહે બતાવી દેવું પડશે કે પાકિસ્તાનને એની ધરતી પર હરાવી શકાય, પણ ભારતને એની પિચો પર હરાવવું લોઢાના ચણા ચાવવા જેવું છે.
બીજું, બાંગ્લાદેશ હજી સુધી ભારત સામે એક પણ ટેસ્ટ નથી જીતી શક્યું એટલે એ રીતે પણ બુમરાહે ભારતની અપરાજિતની પરંપરા જાળવવામાં મોટું યોગદાન આપવાનું છે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં ભારતે હવે ફાઇનલ માટે ક્વૉલિફાય થવા પાંચ ટેસ્ટ જીતવાની છે અને એ માટેના મિશનની શરૂઆત બાંગ્લાદેશ સામેની સિરીઝથી થવાની છે. ત્યાર પછી ન્યૂ ઝીલૅન્ડ સામે ઘરઆંગણે અને ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાની ધરતી પર પાંચ ટેસ્ટની સિરીઝમાં આકરી કસોટીનો સમય આવી પહોંચશે એટલે બુમરાહે પોતાની બોલિંગને બાંગ્લાદેશ સામેની શ્રેણીથી જ ધારદાર બનાવવી પડશે. મોહમ્મદ શમી હજી અનફિટ હોવાથી બાંગ્લાદેશ સામે બુમરાહનું રમવું ખૂબ જરૂરી હોવાથી સિલેક્ટર્સે બુમરાહને વધુ આરામ કરવા દેવાને બદલે ટીમમાં સમાવ્યો છે.
હાલમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની બૅટિંગ ભારતીય ટીમમાં સૌથી વધુ ચર્ચામાં રહેતી હોય છે. જોકે કપિલ દેવ અને ઝહીર ખાન પછી બુમરાહ એવો પહેલો ફાસ્ટ બોલર છે જેને ટીમમાં કોહલી-રોહિત જેવા દિગ્ગજ બૅટર્સની જેમ જ મહત્ત્વ અપાઈ રહ્યું છે. બીજી રીતે કહીએ તો કદાચ બુમરાહની સફળતા જ ભારતના વિજય-પરાજય કે ડ્રૉનું પરિણામ નક્કી કરશે.
હવે જ્યારે બાંગ્લાદેશના બૅટર્સ ટેસ્ટમાં પહેલી જ વખત બુમરાહ સામે રમશે એટલે તેમની બૂરી હાલત થવાની પાકી સંભાવના છે. ભલભલા બૅટર્સ બુમરાહની અનોખી બોલિંગ સ્ટાઇલ અને યૉર્કર, સ્વિંગ તેમ જ લેન્ગ્થની વિવિધતાઓનો સરખી રીતે સામનો નથી કરી શક્તા તો હવે બાંગ્લાદેશની શું હાલત થશે એ તો 19મી સપ્ટેમ્બરથી જ ખબર પડી જશે.