પર્થમાં પહેલા જ દિવસે ફાસ્ટ બોલર્સનું રાજઃ 217 રનમાં પડી કુલ 17 વિકેટ…
ભારત માત્ર 150 રનમાં ઑલઆઉટ, પણ ઑસ્ટ્રેલિયાએ ફક્ત 67 રનમાં સાત વિકેટ ગુમાવી, બુમરાહના ચાર શિકાર
પર્થઃ અહીં આજે બોર્ડર-ગાવસકર ટ્રોફી નામે ઓળખાતી ટેસ્ટ સિરીઝનો બૅટર્સના ફ્લૉપ-શો અને બોલર્સના તરખાટો સાથે આરંભ થયો હતો. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ-મૅચના પહેલા આખા દિવસમાં કુલ ફક્ત 217 રન બન્યા હતા અને કુલ મળીને 17 વિકેટ પડી હતી.
આ પણ વાંચો : પ્રથમ ટેસ્ટ માટે ભારતની યંગ-ઇલેવન, રેડ્ડી-રાણાનું ડેબ્યૂ
ભારતીય ટીમે બૅટિંગ લીધા પછી નિરાશાજનક શરૂઆત કરી હતી અને આખી ટીમ 150 રનમાં તંબૂ ભેગી થઈ ગઈ હતી. જોકે યજમાન કાંગારૂઓએ ભારતથી પણ ખરાબ પર્ફોર્મ કર્યું હતું. ભારતીય સમય મુજબ સવારે 7.50 વાગ્યે મૅચ શરૂ થઈ હતી. બપોરે 3.30 વાગ્યે રમતના અંત સુધીમાં ઑસ્ટ્રેલિયાએ 67 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ઑસ્ટ્રેલિયાનો એક પણ બૅટર 20 રનનો આંકડો પાર નહોતો કરી શક્યો. વિકેટકીપર ઍલેક્સ કૅરી 19 રને રમી રહ્યો હતો.
કૅપ્ટન જસપ્રીત બુમરાહ (17 રનમાં ચાર વિકેટ), મોહમ્મદ સિરાજ (17 રનમાં બે વિકેટ) અને નવા ફાસ્ટ બોલર હર્ષિત રાણા (33 રનમાં એક વિકેટ) સામે ઑસ્ટ્રેલિયન ટીમે ઘૂંટણિયા ટેકવ્યા હતા. પહેલા દિવસની રમતના અંત ભાગમાં સાતમી વિકેટ કૅપ્ટન પૅટ કમિન્સ (ત્રણ રન)ની પડી હતી જેને હરીફ સુકાની બુમરાહે રિષભ પંતના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
ઑસ્ટ્રેલિયાનો નવોદિત ઓપનર નૅથન મૅક્સ્વીની ફક્ત 10 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટીવ સ્મિથને બુમરાહે તેના પહેલા જ બૉલમાં ઝીરો પર એલબીડબ્લ્યૂ કર્યો હતો. ટ્રેવિસ હેડ (13 બૉલમાં 11 રન)ની મહત્ત્વની વિકેટ નવોદિત બોલર હર્ષિત રાણાએ લીધી હતી.
ભારતીય ટીમના બીજા બે બોલર (નવોદિત પેસ બોલિંગ ઑલરાન્ડર) નીતિશ કુમાર રેડ્ડી તેમ જ સ્પિનર વૉશિંગ્ટન સુંદરને પહેલા દિવસે બોલિંગ આપવાની જરૂર જ નહોતી પડી.
એકંદરે આખા દિવસમાં બૅટર્સ ખૂબ ઝઝૂમ્યા હતા અને સસ્તામાં આઉટ થયા હતા. બીજી બાજુ, એક પછી એક પેસ બોલર પર્થની ફાસ્ટ અને બાઉન્સી પિચ પર વિકેટ લેતો ગયો હતો.
ટૂંકમાં, પર્થમાં સિરીઝના પ્રારંભિક દિવસે બૉલને ઉછાળ અપાવતી પિચ પર પેસ બોલર્સે રાજ કર્યું હતું, જ્યારે સ્પિનર્સમાં એકમાત્ર નૅથન લાયનને બોલિંગ મળી હતી અને તેને 23 રનમાં એક પણ વિકેટ નહોતી મળી.
ભારતે બૅટિંગ લીધા પછી 59 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એમાં શૂન્યમાં વિકેટ ગુમાવનાર યશસ્વી જયસ્વાલ તથા દેવદત્ત પડિક્કલનો સમાવેશ હતો. ઓપનર કેએલ રાહુલે એક છેડો સાચવી રાખ્યો હતો, પરંતુ સામા છેડેથી તેણે વિરાટ કોહલી (પાંચ રન)ને પણ પાછા જતો જોવો પડ્યો હતો. ટીમના 47મા રન પર ખુદ રાહુલે પણ વિકેટ ગુમાવી હતી. તેણે 109 મિનિટ સુધી ક્રીઝ પર રહીને 74 બૉલમાં 26 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ધ્રુવ જુરેલ અને વૉશિંગ્ટન સુંદર પણ આઉટ થઈ ગયા હતા. 73મા રન પર વૉશિંગ્ટનની છઠ્ઠી વિકેટ પડી ત્યાર બાદ રિષભ પંત અને નવોદિત નીતિશ કુમાર રેડ્ડી વચ્ચે સાતમી વિકેટ માટે 48 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. આ જોડીએ ભારતને ફરી બેઠી કરી હતી. રિષભ પંતે 145 મિનિટની મૅરેથોન ઇનિંગ્સમાં 78 બૉલમાં માત્ર 37 રન બનાવ્યા હતા, પરંતુ તેને લીધે જ ટીમ ઇન્ડિયાનો ધબડકો અટક્યો હતો. તેણે 121 રનના ટીમ-સ્કોર પર વિકેટ ગુમાવી હતી.
નીતિશ રેડ્ડીએ ડેબ્યૂ મૅચમાં 87 મિનિટ સુધી ઑસ્ટ્રેલિયન બોલર્સનો સમજદારી અને હિંમતથી સામનો કર્યો અને 59 બૉલમાં 41 રન બનાવ્યા હતા જે ટીમમાં હાઈએસ્ટ હતા.
વૉશિંગ્ટન સુંદર ચાર રન બનાવી શક્યો હતો, જ્યારે પહેલી જ ટેસ્ટ રમનાર ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ સાત અને કૅપ્ટન જસપ્રીત બુમરાહે આઠ રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજ ઝીરો પર અણનમ રહ્યો હતો.
આ પણ વાંચો : કેએલ રાહુલ વિશે પુજારા શું માને છે? પડિક્કલ માટે મયંક અગરવાલે કઈ અગત્યની સલાહ આપી?
એ પહેલાં, સવારે 7.50 વાગ્યે મૅચ શરૂ થઈ એની 30 મિનિટ પહેલાં ટૉસ ઉછાળવામાં આવ્યો હતો અને બુમરાહે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. રવિચન્દ્રન અશ્વિન કે રવીન્દ્ર જાડેજા જેવા પીઢ સ્પિનરને પર્થની પિચ પર નથી રમાડવામાં આવ્યા. તેના સ્થાને સ્પિન ઑલરાઉન્ડર વૉશિંગ્ટનને રમવાની તક અપાઈ છે. ઑસ્ટ્રેલિયા વતી યુવા ઓપનર નૅથન મૅક્સ્વીનીએ ડેબ્યૂ કર્યું છે.