બુમરાહ એશિયા કપમાં રમશે કે નહીં? સિલેક્ટરોને કહી દીધી `મન કી બાત' | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

બુમરાહ એશિયા કપમાં રમશે કે નહીં? સિલેક્ટરોને કહી દીધી `મન કી બાત’

મુંબઈઃ ટી-20ના એશિયા કપ (Asia cup)ને ત્રણ અઠવાડિયા જ બાકી છે અને એમાં પણ ટીમ (Team)ની જાહેરાતને માંડ બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે સૌની નજર ટીમના મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ પર છે અને તેના વિશેના એક અહેવાલે અટકળને શાંત પાડી દીધી છે.

વાત એવી છે કે બુમરાહ 2024ના ટી-20 વર્લ્ડ કપ બાદ ભારત વતી વાઇટ-બૉલ ક્રિકેટ મૅચોમાં નથી રમ્યો. જોકે એ વિશ્વ કપમાં તેણે રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમને ટાઇટલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને તેણે પાકિસ્તાન સામેની મૅચમાં ત્રણ વિકેટ લઈને મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું હતું એટલે નવમી સપ્ટેમ્બરે યુએઇ (UAE)માં શરૂ થનારા એશિયા કપમાં તેના રમવા વિશે જાત જાતની અટકળો (Speculation) થતી હતી. પાકિસ્તાની ટીમની પણ તેની ફિટનેસ પર નજર હશે, પરંતુ એક જાણીતા અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ બુમરાહે અજિત આગરકરના નેતૃત્વ હેઠળની સિલેક્શન કમિટીને વાકેફ કરી દીધી છે કે તે પૂર્ણપણે ફિટ છે અને એશિયા કપમાં રમવા માટે ઉત્સુક છે.

આ પણ વાંચો: સિરાજના કનેક્શનવાળી બુમરાહની પોસ્ટે મીડિયામાં બબાલ મચાવી, ટ્રૉલ થયો

મંગળવાર, 19મી ઑગસ્ટે ટીમની જાહેરાત થવાની છે એવા અહેવાલ વચ્ચે બુમરાહે એશિયા કપમાં રમવા માટે પોતે ઉપલબ્ધ છે એવું કહી દીધું હોવાનું મનાય છે. હવે બુમરાહના નામ પર ખાસ કંઈ ચર્ચા થવાની સંભાવના નથી અને ટીમમાં તેનું આપોઆપ સિલેક્શન થઈ જ જશે.

બુમરાહે ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 14 રનમાં ત્રણ વિકેટ લેવા ઉપરાંત સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં 18 રનમાં બે વિકેટ લીધી હતી. આગામી એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની લીગ મૅચ 14મી સપ્ટેમ્બરે રમાશે. એ ઉપરાંત, 21મી સપ્ટેમ્બર અને 28મી સપ્ટેમ્બરે પણ બન્ને દેશ વચ્ચે ટક્કર થવાની સંભાવના છે.

એક આધારભૂત સૂત્રએ આપેલી માહિતી મુજબ નવમી સપ્ટેમ્બરે શરૂ થનારા એશિયા કપ માટે ભારતમાં ટ્રેઇનિંગ કૅમ્પ રાખવાને બદલે ભારતીય ટીમ ત્રણ-ચાર દિવસ વહેલી યુએઇ પહોંચી જશે કે જેથી ખેલાડીઓ યુએઇની પરિસ્થિતિને અનુકૂળ થઈ શકે. 10મી સપ્ટેમ્બરે ભારતની પ્રથમ મૅચ યુએઇ સામે જ રમાવાની છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button