પૅરિસ ઑલિમ્પિક્સમાં વિનેશ ફોગાટ સામે હારેલી જાપાનની કુસ્તીબાજ કોણ છે?
પૅરિસ: ભારતની ટોચની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે સાંજે વિમેન્સ રેસલિંગની 50 કિલો વર્ગની હરીફાઈમાં યુક્રેનની પોતાનાથી ચડિયાતા ક્રમની ઑક્સાના લિવાચને હરાવીને પહેલી વાર ઑલિમ્પિક ગેમ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો એ તો તેની બહુ મોટી સિદ્ધિ કહેવાય જ, એ પહેલાં ફોગાટે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જાપાનની જે હરીફ (યુઇ સુસાકી)ને હરાવી હતી એ રેસલર માટે બહુ મોટી નામોશી થઈ કહેવાય. ફોગાટની સુસાકી સામેની જીત પૅરિસ ઑલિમ્પિક્સમાં સૌથી મોટો અપસેટ કહેવાય છે.
કારણ એ છે કે જાપાનની પચીસ વર્ષની યુઇ સુસાકી 29 વર્ષીય ફોગાટ સામેના બાઉટ પહેલાં લગભગ એક દાયકાની આખી કરીઅર દરમ્યાન એક પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં હારી નહોતી. તે 82માંથી એકેય બાઉટ નહોતી હારી. જોકે ફોગાટ સામે તેનું કંઈ નહોતું ચાલ્યું અને છેલ્લી ક્ષણોમાં હારી ગઈ હતી.
સુસાકી આ પહેલાંની 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં એક પણ પૉઇન્ટ ગુમાવ્યા વગર ચૅમ્પિયન બનીને ગોલ્ડ મેડલ જીતી હતી. તે ડિફેન્ડિંગ ઑલિમ્પિક ચૅમ્પિયન હોવા ઉપરાંત ચાર વાર વર્લ્ડ ચૅમ્પિયન પણ બની હતી. આ વખતની ઑલિમ્પિક્સમાં 50 કિલો વર્ગમાં તે જ ગોલ્ડ મેડલ જીતવા માટે ફેવરિટ ગણાતી હતી, પરંતુ ફોગાટે તેની વિજયકૂચ રોકી દીધી.
આ પણ વાંચો :રેસલર વિનેશ ફોગાટ પહેલી વાર ઑલિમ્પિક્સની સેમિ ફાઇનલમાં પહોંચી
અગાઉ સુસાકીને હરાવવા અનેક દેશોની હરીફો પૂરી ક્ષમતાથી લડી હતી, પણ ક્યારેય સુસાકીને નહોતી હરાવી શકી. જોકે પૅરિસમાં ફોગાટે તેને પરચો બતાવી દીધો.
ફોગાટે સુસાકીને પૅરિસમાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ભારે રસાકસી બાદ 3-2થી હરાવી હતી. ખરેખર તો ફોગાટે તેને મુકાબલાની છેલ્લી પાંચ સેકન્ડ બાકી હતી એ વખતે નીચે પછાડી હતી અને તેના પર હાવિ થઈ ગઈ હતી અને છેવટે જજની પૅનલે ફોગાટને વિજેતા ઘોષિત કરી હતી.
ખરેખર તો ફોગાટને સુસાકીની ભૂતકાળના સિદ્ધિઓ વિશે પૂરી જાણકારી હતી અને તેની કેટલીક નબળાઇઓ પણ જાણતી હતી એટલે તે (ફોગાટ) પાક્કી વ્યૂહરચના સાથે આવી હતી. બીજી બાજુ, સુસાકીને ફોગાટની સ્ટ્રેન્ગ્થ વિશે બહુ ઓછી જાણકારી હતી એટલે ફોગાટની જાળમાં છેલ્લે ફસાઈ ગઈ હતી. છેલ્લી ગણતરીની ક્ષણો બાકી હતી ત્યારે ફોગાટે તેને પછાડીને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
સુસાકીને હરાવ્યા બાદ ફોગાટે યુક્રેનની ભૂતપૂર્વ યુરોપિયન ચૅમ્પિયન ઑક્સાનાને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને પોતાના માટે પ્રથમ મેડલની આશા જીવંત રાખી હતી.
કુસ્તીબાજો ગીતા ફોગાટ અને બબીતા ફોગાટની કઝિન વિનેશ ફોગાટ ત્રણ વખત કૉમનવેલ્થ ગેમ્સમાં અને એક વાર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી છે.
પૅરિસ ઑલિમ્પિક્સનું મેડલ-ટેબલ
ક્રમ | દેશ | ગોલ્ડ | સિલ્વર | બ્રૉન્ઝ | કુલ |
1 | અમેરિકા | 21 | 30 | 28 | 79 |
2 | ચીન | 21 | 18 | 14 | 53 |
3 | ફ્રાન્સ | 13 | 16 | 19 | 48 |
4 | ઑસ્ટ્રેલિયા | 13 | 12 | 08 | 33 |
5 | ગ્રેટ બ્રિટન | 12 | 13 | 17 | 42 |
6 | સાઉથ કોરિયા | 11 | 08 | 07 | 26 |
7 | જાપાન | 10 | 05 | 11 | 26 |
8 | ઇટલી | 9 | 10 | 06 | 25 |
9 | જર્મની | 8 | 05 | 04 | 17 |
10 | નેધરલૅન્ડ્સ | 7 | 05 | 06 | 18 |
60 | ભારત | 00 | 00 | 03 | 03 |