રણજી ટ્રોફીઃ મુંબઈ આજે જીતી શકે…

એશિયા કપની ફાઇનલનો હીરો તિલક વર્મા ઝીરોમાં આઉટ
શ્રીનગરઃ રણજી ટ્રોફી (Ranji trophy)ની નવી સીઝનમાં રમાતી ચાર દિવસની પ્રથમ મૅચમાં શુક્રવારે ત્રીજા દિવસે મુંબઈએ જમ્મુ-કાશ્મીરને જીતવા 243 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો અને રમતના અંત સુધીમાં યજમાન ટીમે 21 રનમાં એક વિકેટ ગુમાવી દીધી હતી. આ એક વિકેટ પ્રથમ દાવના સૌથી સફળ બોલર તુષાર દેશપાંડેએ લીધી હતી.
એ પહેલાં, મુંબઈ (MUMBAI)એ બીજા દાવમાં 181 રન કર્યા હતા જેમાં એક પણ બૅટ્સમૅનની હાફ સેન્ચુરી નહોતી. શમ્સ મુલાનીના 41 રન ટીમમાં હાઇએસ્ટ હતા. પ્રથમ દાવમાં મુંબઈના 386 રનના જવાબમાં જમ્મુ-કાશ્મીરે (J & K) 325 રન કર્યા હતા.

મુંબઈને આજે જીતીને વિજયી શ્રીગણેશ કરવાની સારી તક છે.
અન્ય મૅચોમાં શું બન્યુંઃ
(1) હૈદરાબાદમાં ચાર દિવસની મૅચમાં શુક્રવારે ત્રીજા દિવસે દિલ્હીના 4/529 ડિક્લેર્ડના જવાબમાં હૈદરાબાદે સાત વિકેટે 400 રન કરીને પ્રવાસી ટીમને સારી લડત આપી હતી, પણ હૈદરાબાદના સુકાની અને તાજેતરના એશિયા કપની પાકિસ્તાન સામેની ફાઇનલના હીરો તિલક વર્મા હૈદરાબાદમાં ગઈ કાલે ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. હરીફ ટીમના સુકાની આયુષ બદોનીએ તિલકને આઉટ કર્યો હતો. એશિયા કપની ફાઇનલમાં તિલકે અણનમ 69 રન કર્યા હતા, પણ ગઈ કાલે બીજા જ બૉલે આઉટ થયો હતો. બદોનીએ કુલ પાંચ વિકેટ લીધી હતી.
(2) રાજકોટમાં કર્ણાટકના પ્રથમ દાવના 372 રનના જવાબમાં સૌરાષ્ટ્રએ 376 રન કર્યા હતા અને બીજા દાવમાં કર્ણાટકે બીજા દાવમાં એક વિકેટે 89 રન કર્યા હતા. ડ્રૉ તરફ જઈ રહેલી મૅચમાં કર્ણાટક કુલ 85 રનથી આગળ છે.
(3) કટકમાં ઓડિશાના પ્રથમ દાવના 271 રનના જવાબમાં બરોડાએ મિતેશ પટેલના અણનમ 100 રન તથા શિવાલિક શર્માના 124 રનની મદદથી સાત વિકેટે 413 રન કર્યા હતા. મૅચ ડ્રૉમાં જઈ શકે.
(4) અમદાવાદમાં આસામના પ્રથમ ઇનિંગ્સના 310 રનના જવાબમાં ગુજરાતે આર્ય દેસાઈના 101 રન અને અભિષેક દેસાઈના 96 રનની મદદથી 382 રન કરીને 72 રનની લીડ લીધી હતી. આસામે બીજા દાવમાં 28 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.