સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડના 148 વર્ષના ઇતિહાસમાં ન થયો એવો રેકૉર્ડ જૅમી સ્મિથના હાથે થયો…

ક્રિષ્નાની એક ઓવરમાં ચાર ફોર અને એક સિક્સર ફટકારી

એજબૅસ્ટનઃ ભારતના વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતે લીડ્સની પ્રથમ ટેસ્ટના બન્ને દાવમાં સેન્ચુરી ફટકારી ત્યાર બાદ હવે ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટસમૅન જૅમી સ્મિથે (Jamie Smith) બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ભારતીય બોલર્સની ખબર લઈ નાખી. તેણે કેટલાક રેકૉર્ડ પણ રચ્યા હતા. તે 184 રને અણનમ રહ્યો હતો. તે ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. તે 295 મિનિટ સુધી ક્રીઝમાં હતો અને 207 બૉલમાં ચાર સિક્સર, 21 ફોરની મદદથી 184 રન કર્યા હતા.

જૅમી સ્મિથે ખાસ કરીને ભારતના પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (KRISHNA)ની એક ઓવરમાં ચાર ફોર અને એક સિક્સર સહિત કુલ 23 રન ઝૂડી કાઢ્યા હતા, તેણે બે વિક્રમ પણ પોતાના નામે કર્યા હતા. ક્રિષ્નાનો ઇકોનોમી રેટ (5.53) ખૂબ ખરાબ રહ્યો જે બદલ તેની બોલિંગની ખૂબ ટીકા થઈ રહી છે.

જૅમી સ્મિથ ઇંગ્લૅન્ડના 148 વર્ષના ઇતિહાસમાં એવો પહેલો બૅટ્સમૅન છે જેણે પાછલા દિવસે નૉટઆઉટ ન રહ્યો હોય, પરંતુ પછીના દિવસે ઇનિંગ્સમાં પહેલી વાર બૅટિંગમાં આવીને લંચ પહેલાનાં સત્રમાં 100થી વધુ રન બનાવ્યા. જૅમી સ્મિથે 80 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી અને ઇંગ્લૅન્ડના બૅટ્સમેનોમાં તેની આ સદી સંયુક્ત રીતે ત્રીજા નંબરે ફાસ્ટેસ્ટ છે. જૅમી સ્મિથ અને હૅરી બ્રૂક (158 રન) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 303 રનની વિક્રમી ભાગીદારી થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button