જેમ્સ ઍન્ડરસને મરજી વિના લેવી પડી રહી છે નિવૃત્તિ, આવેશમાં બોલી ગયો કે…

લંડન: ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતી કાલે લોર્ડ્સમાં ત્રણ મૅચની સીરિઝવાળી પ્રથમ ટેસ્ટ મેચ (ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યાથી) શરૂ થશે. આ મૅચ રમવાની સાથે ટેસ્ટ જગતના સૌથી સફળ પેસ બોલર જેમ્સ ઍન્ડરસન (James Anderson)ની શાનદાર કરીઅર પર પડદો પડી જશે.
42 વર્ષનાઍન્ડરસનને હજી ટેસ્ટ-ક્રિકેટ રમવી છે, પરંતુ તેણે પરાણે રિટાયરમેન્ટ લઈ લેવું પડી રહ્યું છે. થોડા મહિના પહેલાં જ બ્રિટિશ ટીમ સાથે સંકળાયેલી મૅનેજમેન્ટની મુખ્ય વ્યક્તિઓએ ઍન્ડરસનને અણસાર આપી દીધો હતો કે ટેસ્ટ ટીમમાં તેનું હવે કોઈ કામ નથી.
એન્ડરસનની ટી-20 કરીઅર 2009માં અને વન-ડે કારર્કિર્દી 2015માં સમેટાઇ ગઈ હતી.
આ પણ વાંચો : UEFA Euro 2024ની સેમિ ફાઈનલમાં આવતી કાલે ઇંગ્લૅન્ડ-નેધરલૅન્ડ્સની ટક્કર
ઍન્ડરસને 187 ટેસ્ટમાં 700 વિકેટ લીધી છે. ટેસ્ટ જગતના તમામ પેસ બોલર્સમાં તેની આ 700 વિકેટ હાઈએસ્ટ છે.
એપ્રિલમાં બ્રિટિશ ટીમના મૅનેજિંગ ડિરેક્ટર રોબર્ટ કી, હેડ-કોચ બ્રેન્ડન મેકલમ અને કેપ્ટન બેન સ્ટોક્સે ઍન્ડરસનને ઈશારામાં કહી દીધું હતું કે તારે હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. ઍન્ડરસને ત્યારે જ ઈચ્છા વગર જાહેર કરી દીધું હતું કે જુલાઈમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી શ્રેણીની પહેલી ટેસ્ટ તેની કારકિર્દીની આખરી મૅચ હશે.
બે દિવસ પહેલાં ઍન્ડરસને પત્રકારો સાથેની વાતચીતમાં પોતાને રિટાયરમેન્ટની ફરજ પાડનારાઓ માટે ટકોર કરવાની સાથે કહ્યું હતું કે ‘હું પહેલા જેવો જ ફિટ છું અને અગાઉ જેવી જ અસરદાર બોલિંગ કરી શકું છું. 35 વર્ષની ઉંમર પછી મારો રેકોર્ડ વધુ સારો રહ્યો છે. હું હજી પણ દમદાર બોલિંગ કરી જાણું છું. જોકે હું એ પણ સમજુ છું કે કરીઅરનો ક્યારેક તો અંત આવતો જ હોય છે. હું તેમની વાતને બરાબર સમજુ છું અને પૂર્ણપણે સ્વીકારું પણ છું.’