અગાઉ મને થતું કે કોહલીને દરેક બૉલ પર આઉટ કરી શકાય, પણ હવે તેને આઉટ કરવો જ મુશ્કેલ છે: ઍન્ડરસન
નિવૃત્તિ લેનાર બ્રિટિશ બોલરે કહ્યું, ‘હવે મને ક્યારેય બૅટર સાથે જંગ ખેલવાનો મોકો નહીં મળે’

લૉર્ડ્સ: ઇંગ્લૅન્ડના 42 વર્ષની ઉંમરના લેજન્ડરી ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટના વિજય સાથે (અગાઉ જાહેર કર્યા મુજબ) આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી છે. 21 વર્ષની શાનદાર કરીઅર પર પૂર્ણવિરામ મૂકાતું જોઈને તે ખૂબ ભાવુક થઈ ગયો હતો. તેણે ભાવવિભોર હાલતમાં આપેલી ઇમોશનલ સ્પીચમાં પોતાની યાદગાર ક્ષણોની યાદ અપાવવા ઉપરાંત સાથી ખેલાડીઓનો, કોચ તેમ જ ખાસ કરીને પોતાને સંઘર્ષના સમયમાં નૈતિક બળ જુસ્સો અપાવનાર પરિવારજનો અને ચાહકોનો ખૂબ આભાર માન્યો હતો. ઍન્ડરસને સ્પીચમાં ખાસ કરીને વિરાટ કોહલીનો ઉલ્લેખ કર્યો હતો.
2003થી 2024 દરમ્યાન 188 ટેસ્ટની 350 ઇનિંગ્સ રમનાર ઍન્ડરસને સ્પીચમાં તેના શ્રેષ્ઠ વર્ષ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું, ‘મારી કારકિર્દીમાં ઘણા ઉચાર-ચઢાવ આવ્યા. કેટલીક સિરીઝ અદ્ભુત રહી અને અમુકમાં લાગ્યું કે મેં સારું પર્ફોર્મ નહોતું કર્યું. શરૂઆતના વર્ષોની વાત કરું તો ત્યારે વિરાટ કોહલી સામે બોલિંગ કરતા મને થતું કે આ બૅટરને તો દરેક બૉલ પર આઉટ કરી શકાય. જોકે હવે એવું લાગ્યું કે તેને આઉટ કરી જ ન શકાય. આવો વિચાર આવતાં તેની સામે પોતાને નબળો માનવા લાગતો હતો.’
આ પણ વાંચો : પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટરો પર અનેક વાર હુમલા થઈ ચૂક્યા છે, જાણો ક્યારે કોના પર અટૅક થયેલો…
ઍન્ડરસને એવું પણ કહ્યું કે ‘2006માં ભારતમાંની વન-ડે સિરીઝ વખતે સ્ટ્રેસ ફ્રૅક્ચરને લીધે મારે છ મહિના ક્રિકેટના મેદાનથી દૂર રહેવું પડ્યું હતું. જોકે મારા પરિવારે મારો જુસ્સો અને આત્મવિશ્ર્વાસ વધાર્યો હતો. ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા સામેની ઍશિઝ સિરીઝમાં સ્ટુઅર્ટ બ્રૉડ જ્યારે રિટાયર થયો ત્યારે એ સિરીઝમાં મેં પાંચ વિકેટ લીધી ત્યારે મને વિચાર આવ્યો કે શું મારી કરીઅરનો અંત પણ નજીક આવી ગયો? કરીઅર દરમ્યાન મેં ઈજાનો સામનો કરવા ઉપરાંત મારા સિલેક્શનની બાબતમાં હતાશા સહેવી પડી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટૂર માટે મને સિલેક્ટ ન કરાતાં હું ખૂબ નિરાશ થયો હતો. જોકે મેં ક્રિકેટ પ્રત્યેના પ્રેમને કારણે આટલા લાંબા સમય સુધી રમવાનું ચાલુ રાખ્યું હતું.’
ઍન્ડરસને વધુમાં કહ્યું કે ‘હું હંમેશાં સ્પર્ધાત્મક રહ્યો છું. સ્પર્ધામાં, હરીફાઈમાં ઉતરવું મને ખૂબ ગમ્યું છે. મને હવે ક્યારેય બૅટર સાથે જંગ ખેલવાનો મોકો નહીં મળે.’
ઍન્ડરસનની સૌથી વધુ વિકેટ ભારત સામે!
(1) 188 ટેસ્ટ, 350 ઇનિંગ્સ, 704 વિકેટ, 26.45ની બોલિંગ ઍવરેજ, 40037 બૉલ ફેંક્યા, 18627 રન આપ્યા, 7/42 બેસ્ટ ઇનિંગ્સ પર્ફોર્મન્સ, 11/71 બેસ્ટ ટેસ્ટ પર્ફોર્મન્સ, 32 વખત દાવમાં ચાર વિકેટ, 32 વખત દાવમાં પાંચ વિકેટ, ત્રણ વખત ટેસ્ટમાં દસ વિકેટ, 704માંથી સૌથી વધુ 149 વિકેટ ભારત સામે અને 117 વિકેટ ઑસ્ટ્રેલિયા સામે, પ્રથમ ટેસ્ટ 2003માં લૉર્ડ્સમાં ઝિમ્બાબ્વે સામે અને અંતિમ ટેસ્ટ 2024માં લૉર્ડ્સમાં વેસ્ટ ઇન્ડિઝ સામે.
(2) 194 વન-ડેમાં 269 વિકેટ, સૌથી વધુ 40 વિકેટ ભારત સામે
(3) 19 ટી-20માં 18 વિકેટ
સચિને ટ્વિટર પર ઍન્ડરસનને લખ્યું, ‘તારી બોલિંગ જોવાની ખૂબ મજા આવતી’
બૅટિંગ-લેજન્ડ સચિન તેન્ડુલકરે (Sachin Tendulkar) ઇંગ્લૅન્ડના પેસ બોલિંગ-લેજન્ડ જેમ્સ ઍન્ડરસનને એક્સ (ટ્વિટર) પર તેની શાનદાર કરીઅર બદલ અંજલિ આપતા લખ્યું હતું કે ‘મને તારી બોલિંગ જોવાની ખૂબ મજા આવતી હતી. બોલિંગ-ઍક્શન, બૉલની ઝડપ, બોલિંગમાં સચોટતા, સ્વિંગ અને ફિટનેસ. આ બધી ખાસિયતોથી તું સમયાંતરે યુવા પેઢીના ખેલાડીઓ માટે પ્રેરણારૂપ રહ્યો છે. તેં 21 વર્ષના સ્પેલમાં અસંખ્ય ચાહકોના દિલ જીતી લીધા હતા. તેં હવે ક્રિકેટના મેદાનને ગુડબાય કરી છે એ નિમિત્તે હું તને આ નાનકડી શુભેચ્છા પાઠવું છું. તું હવે પછીનું જીવન સારા સ્વાસ્થ્ય સાથે તેમ જ ફૅમિલી સાથે આનંદપૂર્વક માણે એવી શુભેચ્છા.’
બે દિવસ પહેલાં ઍન્ડરસનને ‘તમે જેટલા પણ બૅટર્સ સામે રમ્યા છો એમાં કોને બેસ્ટ ગણો છો?’ એવા સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘મારી દૃષ્ટિએ સચિન તેન્ડુલકર બેસ્ટ બૅટર છે. મેં સચિન સામે ક્યારેય કોઈ ગેમ પ્લાન બનાવ્યો હોય એવું મને યાદ નથી. કારણ એ છે કે તે ક્રીઝ પર આવતો ત્યારે હું એટલું જ વિચારતો કે આને મારો એક પણ બૅડ બૉલ પડશે તો મારું આવી જ બનશે.’