ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરે સૌથી વધુ કયા ભારતીય ક્રિકેટરના કર્યાં છે શિકાર?
રાજકોટ: ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર અને ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલ આ ત્રણેય ખેલાડીઓએ ભારત માટે ઘણા રન કર્યા છે. જોકે ત્રણેયનો સમય અલગ-અલગ સમયના સ્ટાર ક્રિકેટર છે, પરંતુ આ ત્રણેય ખેલાડીઓમાં ઘણી સમાનતા છે. સામાન્ય બાબત જે કદાચ તમે નહીં જાણતા હોવ તે એ છે કે મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં આ ત્રણેય ખેલાડીઓનો સૌથી મોટો દુશ્મન એક છે. આ દુશ્મનનું નામ છે ઇગ્લેન્ડનો ઝડપી બોલર જેમ્સ એન્ડરસન.
700 ટેસ્ટ વિકેટની નજીક જેમ્સ એન્ડરસન હાલમાં 41 વર્ષનો છે, પરંતુ તે પોતાની ટીમ માટે શાનદાર બોલિંગ કરી રહ્યો છે. 184 ટેસ્ટ રમી ચૂકેલા જેમ્સ એન્ડરસને અત્યાર સુધીમાં 695 વિકેટ પોતાના નામે કરી લીધી છે અને 700 વિકેટ પૂરી કરવામાં તે માત્ર પાંચ વિકેટ દૂર છે. જો તેને બાકીની વધુ ત્રણ ટેસ્ટ મેચોમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળે છે તો તે હવેથી થોડા દિવસોમાં આ રેકોર્ડ બનાવી દેશે.
સચિન તેંડુલકરે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1989માં કરી હતી. આ પછી તેણે 2013 સુધી સતત રમવાનું ચાલુ રાખ્યું. દરમિયાન સચિન તેંડુલકરે ઘણા નવા રેકોર્ડ કર્યા છે જે હજુ પણ અતૂટ છે. સચિન તેંડુલકરે ભલે ટેસ્ટ ક્રિકેટમાં 15 હજારથી વધુ રન કર્યા હોય, પરંતુ એક બોલરે તેને સૌથી વધુ પરેશાન કર્યો હતો તે છે ઇગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન છે.
સચિનને સૌથી વધુ વખત આઉટ કરનાર બોલરે ટેસ્ટમાં કોહલીને પણ સૌથી વધુ વખત આઉટ કર્યો છે. એટલું જ નહીં, શુભમન ગિલ તેની ટૂંકી કારકિર્દીમાં એક જ બોલરની ઓવરમાં સૌથી વધુ વખત આઉટ થયો છે. સચિન, કોહલી અને ગિલ અલગ-અલગ પેઢીના બેટ્સમેન હોવા છતાં તેઓ ટેસ્ટમાં સૌથી વધુ વખત એક જ બોલરની ઓવરમાં આઉટ થયા છે.
સચિન તેંડુલકરને જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં 9 વખત આઉટ કર્યો છે જે કોઈપણ બોલર દ્વારા સૌથી વધુ છે. કોહલીએ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 8 હજારથી વધુ રન કર્યા છે પરંતુ આ ફોર્મેટમાં જેમ્સ એન્ડરસને તેને સૌથી વધુ વખત આઉટ કર્યો છે. કોહલી 7 વખત એન્ડરસનનો શિકાર બન્યો છે. નાથન લિયોને પણ એટલી જ વાર કોહલીને આઉટ કર્યો છે.
સચિન અને કોહલી જ નહી શુભમન પણ પોતાની કારકિર્દીમાં મોટાભાગે એન્ડરસનના બોલ પર આઉટ થયો છે. શુભમને અત્યાર સુધી માત્ર 22 ટેસ્ટ રમી છે અને તે દરમિયાન તેણે 5 વખત એન્ડરસનના બોલ પર પોતાની વિકેટ ગુમાવી છે.