જાડેજાને ચોથી ટેસ્ટની સેન્ચુરીથી થયો આ મોટો ફાયદો, અભિષેકની પણ બોલબાલા

દુબઈઃ ટેસ્ટમાં ભારતના હાલના નંબર-વન ઑલરાઉન્ડર (Allrounder) રવીન્દ્ર જાડેજાને મૅન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફર્ડમાં ફટકારેલી અણનમ સદી ખૂબ ફળી છે. આઇસીસી (ICC RANKINGS)ની ટેસ્ટ ઑલરાઉન્ડર્સની યાદીમાં જાડેજા ફરી એકવાર નંબર-વન થઈ ગયો છે. તે અગાઉ ઘણા અઠવાડિયાઓ સુધી નંબર-વન (NUMBER ONE)ની રૅન્ક પર હતો. આક્રમક ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્મા આઇપીએલ બાદ ટી-20 ઇન્ટરનૅશનલમાં પણ ચમકતો હોય છે અને તેણે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના બૅટ્સમેનોના રૅન્કિંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. તેણે ઑસ્ટ્રેલિયાના ટ્રૅવિસ હેડ (TRAVIS HEAD) પાસેથી આ અવ્વલ ક્રમ છીનવી લીધો છે.
Beard is Good
— Prakash (@definitelynot05) July 27, 2025
Fitness is Good
Form is Good
The Greatest All Rounder- Ravindra Jadeja pic.twitter.com/0Po5DflFly
Topping the charts
— BCCI (@BCCI) July 30, 2025
Congratulations to Abhishek Sharma, who becomes the Number One batter in ICC Men's T20I rankings #TeamIndia | @IamAbhiSharma4 pic.twitter.com/dKlm5UVsyv
આઇસીસીના ઑલરાઉન્ડર્સના રૅન્કિંગમાં જાડેજાના નામે 422 પૉઇન્ટ છે અને તે હાલમાં ટેસ્ટની દુનિયાનો સર્વોત્તમ ઑલરાઉન્ડર છે. બીજા નંબરે બાંગ્લાદેશનો મેહદી હસન મિરાજ છે. જોકે જાડેજા તેનાથી 117 પૉઇન્ટ આગળ છે. ત્રીજા નંબરે ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટૉકસ છે અને તે જાડેજાથી 121 પૉઇન્ટ પાછળ છે.
ત્રણ દિવસ પહેલાં ઑલ્ડ ટ્રેફર્ડમાં ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે જાડેજાએ 218 મિનિટ સુધી ક્રીઝમાં રહીને એક સિક્સર તથા તેર ફોરની મદદથી 185 બૉલમાં અણનમ 107 રન કર્યા હતા. તેની અને વૉશિંગ્ટન સુંદર (101 અણનમ, 298 મિનિટ, 206 બૉલ, એક સિક્સર, નવ ફોર) વચ્ચે પાંચમી વિકેટ માટે 203 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. 222 રન પર શુભમન ગિલ (103 રન, 379 મિનિટ, 238 બૉલ, બાર ફોર)ની પાંચમી વિકેટ પડ્યા પછી વૉશિંગ્ટન સાથે જાડેજા જોડાયો હતો અને બન્નેએ પંચાવન ઓવર સુધી ક્રીઝમાં ટકી રહીને બ્રિટિશ બોલર્સને હંફાવ્યા હતા અને ફીલ્ડર્સની પીદૂડી કાઢી હતી. બ્રિટિશ ટીમને વધુ વિકેટ ન મળી એટલે તેમણે માઇન્ડ-ગેમથી જાડેજા-વૉશિંગ્ટનને પરેશાન કરવાની શરૂઆત કરી દીધી હતી. બન્ને ભારતીય બૅટ્સમેન 85 રન અને 90 રને હતા ત્યારે કૅપ્ટન બેન સ્ટૉક્સે ટેસ્ટને ડ્રૉમાં લઈ જવાની ઑફર કરી હતી જે જાડેજા-વૉશિંગ્ટને નકારી હતી અને બન્ને ભારતીયો સદી ફટકાર્યા પછી જ ડ્રૉ માટે સંમત થયા હતા.
આપણ વાંચો :વાનખેડે સ્ટેડિયમના BCCIના સ્ટોરમાંથી ₹6.52 લાખની IPL જર્સી ચોરી; પોલીસે ગુનો ઉકેલ્યો
જાડેજાએ અણનમ 107 રનની ઇનિંગ્સ બદલ રૅન્કિંગમાં 13 પૉઇન્ટ મેળવ્યા હતા. ટેસ્ટના બૅટ્સમેનોમાં જાડેજા પાંચ ક્રમ ઉપર આવીને 29મા સ્થાને છે અને બોલિંગમાં એક સ્થાન આગળ આવીને 14મા ક્રમે છે.
ટેસ્ટ-ક્રિકેટના ટૉપ-ફાઇવ ઑલરાઉન્ડર
(1) રવીન્દ્ર જાડેજા (ભારત), 422 પૉઇન્ટ
(2) મેહદી હસન મિરાજ (બાંગ્લાદેશ), 305 પૉઇન્ટ
(3) બેન સ્ટૉક્સ (ઇંગ્લૅન્ડ), 301 પૉઇન્ટ
(4) વિઆન મુલ્ડર (સાઉથ આફ્રિકા), 286 પૉઇન્ટ
(5) પૅટ કમિન્સ (ઑસ્ટ્રેલિયા), 270 પૉઇન્ટ
ટી-20ના ટૉપ-ફાઇવ બૅટ્સમેન
(1) અભિષેક શર્મા (ભારત), 829 પૉઇન્ટ
(2) ટ્રૅવિસ હેડ (ઑસ્ટ્રેલિયા), 814 પૉઇન્ટ
(3) તિલક વર્મા (ભારત), 804 પૉઇન્ટ
(4) ફિલ સૉલ્ટ (ઇંગ્લૅન્ડ), 791 પૉઇન્ટ
(5) જૉસ બટલર (ઇંગ્લૅન્ડ), 772 પૉઇન્ટ