નવી દિલ્હી: બેન્ગલૂરુમાં સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદે 287 રનનો નવો ટીમ-સ્કોર રચ્યા બાદ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુએ સાત વિકેટે 262 રન બનાવીને જોરદાર લડત આપી અને માત્ર પચીસ રનથી પરાજય જોયો હતો. આ હાઇ-સ્કોરિંગ મૅચમાં અનેક બૅટર્સે પોતાની તાકાત અને ટૅલન્ટનો પરચો બતાવ્યો હતો, પણ પરાજિત ટીમનો બૅટર દિનેશ કાર્તિક સૌથી મોટું આકર્ષણ હતો. તેણે બાયન મિનિટ સુધી હૈદરાબાદના બોલર્સનો સામનો કરીને 35 બૉલમાં સાત સિક્સર અને પાંચ ફોરની મદદથી 83 રન બનાવ્યા હતા.
કાર્તિકનો સાતમાંનો એક છગ્ગો આ વખતની આઇપીએલનો સૌથી લાંબો હતો. તેણે 108 મીટર લાંબી સિક્સર ફટકારી હતી.
અહીં મુખ્ય વાત એ છે કે કાર્તિક ઑફ સીઝનમાં (જ્યારે ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ ન કરવામાં આવતો હોય ત્યારે) ભારતની સિરીઝ દરમ્યાન કૉમેન્ટરી બૉક્સમાં જોવા મળે છે. હાલની આઇપીએલમાં કૉમેન્ટરી બૉક્સમાં મોજૂદ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટર કેવિન પીટરસને સોમવારે કૉમેન્ટરી દરમ્યાન કહ્યું, ‘મેં ક્યારેય કોઈ કૉમેન્ટેટરને આટલી સારી બૅટિંગ કરતો નથી જોયો.’
એ સાથે, પીટરસને કાર્તિકની પ્લેયર અને કૉમેન્ટેટર બન્ને ભૂમિકાને બિરદાવી હતી.
મંગળવાર પહેલાં 2024ની આઇપીએલમાં કોની સૌથી લાંબી સિક્સર?
દિનેશ કાર્તિક (બેન્ગલૂરુ): 108 મીટર
હિન્રિચ ક્લાસેન (હૈદરાબાદ): 106 મીટર
વેન્કટેશ ઐયર (કોલકાતા): 106 મીટર
નિકોલસ પૂરન (લખનઊ): 106 મીટર
ઇશાન કિશન (મુંબઈ): 103 મીટર
આન્દ્રે રસેલ (કોલકાતા): 102 મીટર
ટ્રિસ્ટેન સ્ટબ્સ (દિલ્હી): 101 મીટર
અભિષેક પોરેલ (દિલ્હી): 99 મીટર
મહિપાલ લૉમરૉર (બેન્ગલૂરુ): 98 મીટર
ટ્રેવિસ હેડ (હૈદરાબાદ): 98 મીટર