નક્કી થઈ ગયું…આ બ્રેન્ડ હવે ટીમ ઇન્ડિયાની જર્સી સ્પૉન્સર કરશે

નવી દિલ્હીઃ અપોલો ટાયર્સ બ્રેન્ડ હવે ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી-સ્પૉન્સર બની ગઈ છે. બીસીસીઆઇએ ડ્રીમ11 સાથેનું ડીલ રદ કરી દીધું છે, કારણકે બેટિંગ (Betting apps) ઍપ્સ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. એને પગલે અપોલો ટાયર્સ (Apollo Tyres) તરફથી સ્પૉન્સરશિપ વિશે બોલી (bid) લગાવવામાં આવી હતી અને એમાં જીત હાંસલ કરી લીધી છે અને બીસીસીઆઇ (BCCI) સાથે 2027ના વર્ષ સુધીનો કરાર કરી લીધો છે.
અપોલો ટાયર્સે બીસીસીઆઇ સાથેના ડીલમાં જે બાજી મારી એમાં દરેક મૅચ માટે ક્રિકેટ બોર્ડને 4.50 કરોડ રૂપિયા આપવાની ઑફર કરી હતી જે અગાઉની ડ્રીમ11 (Dream11)ની 4.00 કરોડ રૂપિયાની ઑફરથી વધુ હતી. નવો કરાર બે વર્ષ સુધીનો છે.
હવેથી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની નવી જર્સી પર અપોલો ટાયર્સનો લોગો ચમકશે. ઉદ્યોગના જાણકારોનું માનીએ તો ટીમ ઇન્ડિયાને વધુ સારો બૅ્રન્ડ સપોર્ટ તો મળ્યો જ છે, અપોલો ટાયર્સની બૅ્રન્ડ-વૅલ્યૂને પણ નવું શિખર સર કરવા મળશે.
હાલમાં યુએસમાં રમાઈ રહેલા એશિયા કપમાં ભારતીય ટીમ પાસે કોઈ જ જર્સી-સ્પૉન્સર નથી. મહિલા ક્રિકેટરો પણ ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાં જર્સી-સ્પૉન્સર વગર રમી રહી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ઑનલાઇન ગેમિંગ પર રિયલ મનીના ખેલ પર પ્રતિબંધ મૂકી દીધો. સરકારના નિયમ મુજબ ગેમિંગ, બેટિંગ (સટ્ટો), ક્રિપ્ટો અને તમાકુની કંપનીઓ બોલી ન લગાવી શકે. એ ઉપરાંત, ઠંડા પીણા તેમ જ પંખા, મિક્સર-ગ્રાઇન્ડર અને વીમા કંપનીઓ પણ બોલી ન લગાવી શકે. આ પાછળનું કારણ એ છે કે આ પ્રૉડક્ટો અગાઉથી જ બીસીસીઆઇના અન્ય સ્પૉન્સર સાથે જોડાયેલી છે. ડ્રીમ11 સાથે બીસીસીઆઇએ 358 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. ડ્રીમ11 બૅ્રન્ડની માલિકી ધરાવતી કંપનીએ આઇપીએલમાં પણ બહુ મોટું રોકાણ કર્યું હતું. આ કંપનીએ એમએસ ધોની, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, રિષભ પંત, જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજોને બૅ્રન્ડ ઍમ્બેસેડર બનાવ્યા હતા.
આપણ વાંચો: ICC બેટીંગ રેન્કિંગમાં આ ભારતીય ખેલાડીએ ટોચનું સ્થાન મેળવ્યું