ડેવિસ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની હાર, 47 વર્ષ પછી ઇટલી જીત્યું ટાઇટલ
મલાગા (સ્પેન): યાનિક સિનરના શાનદાર પ્રદર્શનને કારણે ઇટલીએ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને 47 વર્ષ બાદ ડેવિસ કપ 2023નું ટાઇટલ જીત્યું હતું. ટેનિસમાં વિશ્વના ચોથા ક્રમના ખેલાડી સિનરે સ્પેનના માલાગામાં રવિવારે ફાઈનલની બીજી સિંગલ્સ મેચમાં એલેક્સ ડી મિનોરને 6-3, 6-0થી હરાવીને ઇટલીની 2-0થી જીત સુનિશ્ચિત કરી હતી. માતિયો અર્નાલ્ડીએ પ્રથમ સિંગલ્સ મેચમાં એલેક્સી પોપિરિનને 7-5, 2-6, 6-4થી હરાવીને ઈટલીને 1-0ની લીડ અપાવી હતી.
નોંધનીય છે કે શનિવારે સેમિફાઇનલ મેચમાં સિનરે વિશ્વના નંબર વન ખેલાડી નોવોક જોકોવિચને સિંગલ્સ અને ડબલ્સ બંને મેચમાં હરાવ્યો હતો. 1976 પછી ઇટાલીનું આ પ્રથમ ડેવિસ કપ ટાઇટલ છે. માતિયોએ પ્રથમ સિંગલ્સમાં એલેક્સી પોપીરિનને 7-5, 2-6, 6-4થી હરાવીને ઇટાલીને 1-0ની લીડ અપાવી હતી.
બાવીસ વર્ષના સિનરે આ અઠવાડિયે તેની તમામ પાંચ મેચ જીતી લીધી. મલાગાને આવતા વર્ષે ડેવિસ કપ ફાઇનલ્સના છેલ્લા આઠ તબક્કાની યજમાની કરવાની તક ફરી એકવાર મળશે. વેલેન્સિયામાં રવિવારે ગ્રુપ સ્ટેજ માટે સ્પેનને વાઈલ્ડ કાર્ડ આપવામાં આવ્યું હતું.
આ વર્ષે ફાઈનલમાં સ્થાન મેળવનાર ઈટલી અને ઓસ્ટ્રેલિયા સપ્ટેમ્બરમાં ગ્રુપ સ્ટેજમાં સીધું સ્થાન મેળવશે. ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયા સામે હારેલા ગ્રેટ બ્રિટનને પણ સીધી એન્ટ્રી મળશે.