સ્પોર્ટસ

મૉસ્કા બંધુઓ સિડનીમાં ઉછર્યા, ઇટલીમાં ક્રિકેટ રમ્યા, મુંબઈમાં ઐતિહાસિક અને વિક્રમજનક મૅચ-વિનર બન્યા

નેપાળને આંચકો આપીને વર્લ્ડ કપમાં ઇટલીનો પહેલો વિજયઃ પૉઇન્ટ્સ-ટેબલમાં ઇંગ્લૅન્ડથી આગળ થયું

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં રવિવાર, આઠમી ફેબ્રુઆરીએ નેપાળ (NEPAL)ની ટીમે 2026ના ટી-20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી જ મૅચમાં જબરદસ્ત લડત આપી હતી, બ્રિટિશરોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા અને ફક્ત ચાર રનના તફાવત સાથે હાર સ્વીકારી હતી ત્યાર બાદ એવું લાગતું હતું કે ગુરુવારે આ જ સ્થળે નેપાળની બળુકી ટીમ ઇટલીની નવીસવી ટીમને ધોળે દિવસે તારા દેખાડશે, પણ બન્યું સાવ ઊલટું.

ફૂટબૉલ-ક્રેઝી ઇટલીની ટીમે નેપાળને 10 વિકેટે હરાવીને ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાનું નામ લખાવી દીધું હતું અને આ સિદ્ધિ શ્રીલંકન મૂળના ક્રિશન કાલુગામાગે (4-0-18-3) નામના લેગ-સ્પિનર અને મૉસ્કા અટકવાળા બે ભાઈઓએ અપાવી હતી. ક્રિશનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

ક્રિકેટ વર્લ્ડ કપ (WORLD CUP)ના ઇતિહાસમાં ઇટલી (ITALY)ની આ બીજી જ મૅચ હતી અને એમાં એણે પ્રથમ વિજય મેળવ્યો. એ સાથે, પૉઇન્ટ્સ-ટેબલમાં ગ્રૂપ-સીમાં ઇટલીએ ઇંગ્લૅન્ડને પાછળ રાખી દીધું હતું. વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ સ્થાને, સ્કૉટલૅન્ડ બીજા નંબરે, ઇટલી ત્રીજા, ઇંગ્લૅન્ડ ચોથા અને નેપાળ પાંચમા ક્રમે છે.

મૉસ્કા બંધુઓનો ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ઉછેર થયો હતો. તેઓ ઇટલી વતી ક્રિકેટ રમે છે અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેમણે પોતાના દેશને ઐતિહાસિક જીત અપાવી છે. નેપાળની ટીમ બૅટિંગ મળ્યા બાદ માત્ર 123 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને ઇટલીએ વિના વિકેટે 12.4 ઓવરમાં (44 બૉલ બાકી રાખીને) 124 રનનો લક્ષ્યાંક મેળવીને જીત હાંસલ કરી લીધી છે.

ઇટલીનો આ પહેલો જ ક્રિકેટ વિશ્વ કપ છે. હજારો નેપાળ-તરફી પ્રેક્ષકો ઉદાસ થઈને સ્ટેડિયમમાંથી પાછા ગયા હતા. ઇટલીનો આ ટૂર્નામેન્ટની પ્રથમ મૅચમાં કોલકાતામાં સ્કૉટલૅન્ડ સામે 73 રનથી પરાજય થયો હતો.

બે ભાઈઓનો હાઇએસ્ટ ભાગીદારીનો વિક્રમ

ઇટલીને માત્ર 124 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ ઓપનર 31 વર્ષીય જસ્ટિન મૉસ્કા (60 અણનમ, 44 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અને તેના મોટા ભાઈ 34 વર્ષીય ઍન્થની મૉસ્કા (62 અણનમ, 32 બૉલ, છ સિક્સર, ત્રણ ફોર)ની જોડીએ વિકેટ ગુમાવ્યા વગર 124 રન બનાવીને ઇટલીને 10 વિકેટે ઐતિહાસિક વિજય અપાવ્યો હતો.

જસ્ટિન મૉસ્કા અને ઍન્થની મૉસ્કાની 124 રનની અતૂટ ભાગીદારી સમગ્ર ટી-20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બે ભાઈઓએ જેટલી પણ ભાગીદારીઓ નોંધાવી છે એમાં સર્વશ્રેષ્ઠ છે. નેપાળના છમાંથી એક પણ બોલરને વિકેટ નહોતી મળી. સંદીપ લમીછાનેને 31 રનમાં એકેય વિકેટ નહોતી મળી.

123 રનમાં ઑલઆઉટ થતાં હજારો નેપાળીઓ ઉદાસ

એ પહેલાં, નેપાળની લડાયક ` ટૉક ઑફ ધ ટાઉન’ ટીમે 19.3 ઓવરમાં માત્ર 123 રનમાં ઑલઆઉટ થઈ જતાં નેપાળના હજારો પ્રેક્ષકોએ નિરાશ થવું પડ્યું હતું. આરિફ શેખ નામના નેપાળી બૅટ્સમૅનના 27 રન ટીમમાં હાઇએસ્ટ હતા. કૅપ્ટન રોહિત પૉડેલ માત્ર 23 રન અને ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરીનો વિશ્વવિક્રમ ધરાવનાર દીપેન્દ્રસિંહ એઇરી માત્ર 17 રન બનાવી શક્યો હતો.

કુલ 69 ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ ઉપરાંત આઇપીએલમાં પણ રમી ચૂકેલો જાણીતો ખેલાડી સંદીપ લમીછાને ફક્ત પાંચ રન કરીને આઉટ થઈ ગયો હતો. ઇટલીના લેગ સ્પિનર ક્રિશન કાલુગમાગેએ સૌથી વધુ ત્રણ વિકેટ તથા ઑફ સ્પિનર બેન મનેન્ટીએ બે વિકેટ લીધી હતી. ઇટલીના સ્પિનર્સના કાંડાની અને આંગળીની કરામતનો નેપાળીઓ પાસે કોઈ જવાબ નહોતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button