ઇટલીએ હારવા છતાં રચ્યો ઇતિહાસ, `ઑસ્ટ્રેલિયાના’ જૉ બર્ન્સે ટી-20 વર્લ્ડ કપમાં પહોંચાડ્યું
નેધરલૅન્ડ્સ પણ વિશ્વકપમાં, પણ સ્કૉટલૅન્ડની ચાર વર્લ્ડ કપ બાદ પહેલી વાર બાદબાકી

હૅગ (નેધરલૅન્ડ્સ): ઇટલીએ પહેલી વાર પુરુષોના ટી-20 વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થઈને નવો ઇતિહાસ રચ્યો છે. ઇટલીને આ ઉપલબ્ધિ મૂળ ઑસ્ટ્રેલિયાનો બૅટ્સમૅન જૉ બર્ન્સ (JOE BURNS) થકી મળી છે. રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન બર્ન્સનો જન્મ ઑસ્ટ્રેલિયામાં થયો હતો. તે 35 વર્ષનો છે. 2014થી 2020 સુધી તે ઑસ્ટ્રેલિયા વતી 23 ટેસ્ટ અને છ વન-ડે રમ્યો હતો, પણ પછી તેને વધુ રમવાનો મોકો ન મળતાં તેણે ઇટલી (ITALY) વતી રમવાનું નક્કી કર્યું હતું અને કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા બાદ 2024થી તેણે ઇટલી વતી રમવાનું શરૂ કર્યું હતું.
ઇટલીના કૅપ્ટન જૉ બર્ન્સે ઇટલી વતી આઠ ટી-20માં એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી સહિત કુલ 271 રન કર્યા છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 160 મૅચમાં 9,809 રન બનાવી ચૂકેલા જૉ બર્ન્સ (JOE BURNS)ની કૅપ્ટન્સીમાં 11મી જુલાઈએ હૅગમાં ઇટલીનો નેધરલૅન્ડ્સ (NETHERLANDS) સામે નવ વિકેટે પરાજય થયો હતો, પરંતુ એમ છતાં ઇટલીએ આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ માટે ક્વૉલિફિકેશન મેળવી લીધું છે. વાસ્તવમાં ઇટલીએ પહેલી જ વખત ક્રિકેટના વર્લ્ડ કપમાં એન્ટ્રી કરી છે.
આ પણ વાંચો: કૅનેડાને ભારત-પાકિસ્તાની મૂળના ખેલાડીઓએ ટી-20 વર્લ્ડ કપમાં પહોંચાડ્યું
નેધરલૅન્ડ્સ પણ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થયું છે. નેધરલૅન્ડ્સે આ સાથે યુરોપ પ્રદેશની ક્વૉલિફિકેશન સ્પર્ધા પણ જીતી લીધી છે. એની ઇટલી સામેની મૅચ આ સ્પર્ધાની ફાઇનલ હતી જે નેધરલૅન્ડ્સે જીતીને પોતાની સિદ્ધિઓમાં વધુ એકનો ઉમેરો કર્યો છે.
સ્કૉટલૅન્ડની કેમ બાદબાકી થઈ?
છેલ્લા ચાર ટી-20 વર્લ્ડ કપમાં રમવાનો લહાવો મેળવનાર સ્કૉટલૅન્ડની ટીમ આ વખતે ક્વૉલિફિકેશન નથી મેળવી શકી. સ્કૉટલૅન્ડની બાદબાકી માટે જર્ઝી નામનો યુરોપના ટચૂકડો દેશ જવાબદાર છે. શુક્રવારે હૅગમાં સ્કૉટલૅન્ડ (20 ઓવરમાં 7/133)નો જર્ઝી (20 ઓવરમાં 9/134) સામે છેલ્લા બૉલે પરાજય થતાં સ્કૉટિશ ટીમ વર્લ્ડ કપ માટેના દાવાની બહાર થઈ ગઈ હતી.
ઇટલીની ટીમમાં ભારતીય મૂળનો બોલર
ઇટલીની ટીમમાં જસપ્રીત સિંહ નામના 32 વર્ષના પેસ બોલરનો સમાવેશ છે. જસપ્રીતનો જન્મ પંજાબના ફગવાડામાં થયો હતો. તે ઑલરાઉન્ડર છે અને ઇટલી વતી 24 ટી-20 રમ્યો છે જેમાં તેણે 21 વિકેટ લેવા ઉપરાંત કુલ 68 રન કર્યા છે. માર્કસ કૅમ્પોપિયાનો ઇટલીનો વિકેટકીપર છે. ઇટલીની ટીમમાં શ્રીલંકન મૂળનો પણ એક ખેલાડી છે જેનું નામ ક્રિશન કાલુગમાગે છે.