ઓહ નો! ઈટલીની ટીમને ક્રિકેટ વર્લ્ડ કપમાં એના પહેલા જ દિવસે મોટો ઝટકો, 42 વર્ષીય કેપ્ટન…

કોલકાતા: ફૂટબૉલ-ક્રેઝી યુરોપના ઈટલી દેશે અહીં ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં ક્રિકેટના વર્લ્ડ કપમાં સોમવારે ડેબ્યૂ કર્યું એને માંડ 15 મિનિટ થઈ ત્યાં એને મોટો ઝટકો લાગ્યો. ઇટલી (Italy)ના 42 વર્ષીય કેપ્ટન વેન મૅડસનને સ્કૉટલૅન્ડ (Scotland) સામેની મૅચમાં ખભામાં ગંભીર ઈજા થઈ હતી. આ વર્લ્ડ કપમાં તે વધુ કદાચ ન પણ રમે.
પેસ બોલર થોમસ ડ્રેકાના બૉલમાં સ્કોટિશ ઓપનિંગ બૅટ્સમૅન જ્યોર્જ મન્સેના શૉટમાં મૅડસને મિડ-ઑન પરથી દોડી આવીને બૉલને બાઉન્ડરી લાઈનની બહાર જતાં રોક્વા ડાઇવ મારી ત્યારે તેને ડાબા ખભામાં ઈજા થઈ હતી.
ફિઝિયોથેરપિસ્ટ તરત દોડી આવીને મૅડસન (Madsen)ને ગ્રાઉન્ડની બહાર લઈ ગયા હતા. મૅડસનનો ખભો ડિસલૉકેટ થઈ ગયો હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું હતું.

મૅડસન માત્ર સાત આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો છે, પરંતુ બાવીસ વર્ષથી ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ સહિતની પ્રથમ કક્ષાની મૅચો રમે છે. તેણે 253 ફર્સ્ટ ક્લાસ મૅચોમાં કુલ 17,067 રન કર્યા છે જેમાં 43 સેન્ચુરી અને 93 હાફ સેન્ચુરી સામેલ છે. તેણે 304 કૅચ પણ ઝીલ્યા છે. કેટલાક મોટા ક્રિકેટ દેશોના વિખ્યાત ક્રિકેટરનો પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મૅડસન જેવો પર્ફોર્મન્સ નહીં હોય.



