રમીઝ રાજાએ કહ્યું, ‘ભારત સામે હાર્યા છીએ ત્યારથી પાકિસ્તાન…’
કરાચી: પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી જ વખત બાંગ્લાદેશ સામે હારી ગયું અને એ પણ પોતાની ધરતી પર (રાવલપિંડીમાં) આ હારની નાલેશી થઈ એટલે પાકિસ્તાન ક્રિકેટમાં નિરાશા છવાઈ ગઈ છે અને કેપ્ટન શાન મસૂદની તથા તેની ટીમની ખૂબ ટીકા થઈ રહી છે. ભૂતપૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહ્યું છે કે 2023ની સાલના એશિયા કપમાં ભારત સામે પાકિસ્તાનના બુરા હાલ થયા ત્યારથી પનોતી બેઠી છે અને હવે બાંગ્લાદેશ સામે પહેલી જ વખત ટેસ્ટ ક્રિકેટમાં ઝૂકવું પડ્યું.
આ અઠવાડિયે રાવલપિંડીમાં જ શરૂ થનારી બીજી અને અંતિમ ટેસ્ટમાં પણ જો પાકિસ્તાન હારી જશે તો બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં પહેલા સિરીઝ-પરાજયની નામોશી પણ જોવી પડશે.
રવિવારે બાંગ્લાદેશે પાકિસ્તાનને 10 વિકેટે હરાવી દીધું હતું. પહેલા દાવમાં 191 રન બનાવનાર ભૂતપૂર્વ કેપ્ટન મુશફીકુર રહીમ આ મૅચનો સુપર હીરો હતો.
રમીઝ રાજાએ પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે ‘ પહેલી વાત તો એ છે કે પાકિસ્તાનની ટીમાં ચાર-ચાર પેસ બોલરને શું કામ સમાવવામાં આવ્યા હતા? ટીમમાં એક પણ રેગ્યુલર સ્પિનર કેમ નહોતો?’
બાંગ્લાદેશે પાકિસ્તાનની જે 16 વિકેટ લીધી એમાંથી 9 વિકેટ એના સ્પિનર્સે લીધી હતી. ખાસ કરીને બીજા દાવમાં બાંગ્લાદેશના સ્પિનર્સે કુલ સાત વિકેટ લીધી હતી જેને કારણે શાન મસૂદની ટીમ 146 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશને જીતવા ફક્ત 30 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે એકેય વિકેટ ગુમાવ્યા વિના મેળવી લીધો હતો.
રમીઝ રાજાએ ચેનલ પર કહ્યું કે ‘પાકિસ્તાન હંમેશાં વર્લ્ડ-ક્લાસ પેસ અટૅક પેદા કરતું હોય છે એવી છાપ ગયા વર્ષના એશિયા કપમાં ભારત સામેની મૅચમાં ખતમ થઈ ગઈ હતી. ત્યારથી પાકિસ્તાનના પેસ બોલર્સનો ડર બધી ટીમમાંથી નીકળી ગયો છે. ભારત સહિત બધા દેશના બૅટર હવે સમજી ગયા છે કે પાકિસ્તાનના ફાસ્ટ સામે બોલર આક્રમક અભિગમ રાખીને રમીએ તો તેમને નમાવી શકાય. આ વખતની મૅચની વાત કરું તો બાંગ્લાદેશના પેસ બોલર પડકારરૂપ હતા, જ્યારે પાકિસ્તાનના પેસ બોલર ખાસ કંઈ અસરદાર ન જોવા મળ્યા.’
રમીઝ રાજાએ ટેસ્ટ કેપ્ટન શાન મસૂદની પણ ઝાટકણી કાઢી હતી. રમીઝે કહ્યું, ‘શાનને પાકિસ્તાન સુપર લીગ અને કાઉન્ટી મૅચોમાં કેપ્ટન્સીનો અનુભવ છે, પરંતુ તેણે એ પણ બતાવવું જોઈએ કે પોતે ક્રિકેટ વિશે કંઈક જાણે પણ છે. ઓગસ્ટ મહિનાની ટેસ્ટમાં તેણે શા માટે ચાર પેસ બોલરને રમાડ્યા એ જ નથી સમજાતું.’
Also Read –