સ્પોર્ટસ
શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતને એક સિલ્વર અને એક બ્રૉન્ઝ
વિવાન કપૂર રજત અને નારુકા કાંસ્ય જીત્યો
નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં નિશાનબાજીનો આઇએસએસએફ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને એમાં બુધવારે અખિલ શોરેન 50 મીટર રાઇફલ-થ્રી પૉઝિશન્સ કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો ત્યાર બાદ ગુરુવારે ભારતને વધુ બે ચંદ્રક મળ્યા હતા જેમાં એક સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ હતો.
વિવાન કપૂરે મેન્સ ટ્રૅપ ઇવેન્ટમાં રજતચંદ્રક જીતી લીધો હતો, જ્યારે અનંત જીત નારુકાએ મેન્સ સ્કીટ હરીફાઈમાં કાંસ્યચંદ્રક મેળવ્યો હતો. એ સાથે, વર્લ્ડ કપના આ તબક્કામાં ભારતે ચાર મેડલ જીતી લીધા છે.
વિવાને 44 શૉટસ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. ચીનનો યિન્ગ કી સુવર્ણ અને ટર્કીનો એન. ટુન્સેર કાંસ્ય જીત્યો હતો.
બુધવારે અખિલ શોરેને વર્લ્ડ કપમાં સનસનાટી મચાવી દીધી હતી. તેણે તાજેતરની પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ચીનના લિઉ યુકુનને બ્રૉન્ઝ માટેની હરીફાઈમાં હરાવી દીધો હતો.