મુંબઈ: BCCIના સિલેક્ટર્સ ઘણા સમયથી ઇશાન કિશન(Ishan Kishan)ની અવગણના કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, ઈશાન કિશને વર્ષ 2023માં ભારતીય ટીમ(Indian cricket team) માટે તેની છેલ્લી મેચ રમી હતી, ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર રહ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટ( Domestic cricket)ની મેચો ના રમવા બદલ સજાના ભાગ રૂપે ઇશાનને પડતો મુકવામાં આવ્યો છે. હવે તાજેતરના અહેવાલ મુજબ ઇશાન કિશાન ડોમેસ્ટિક ક્રિકેટ રમવા તૈયાર થયો છે, આ સાથે તેણે મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે.
અગાઉ ઈશાને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા ઇનકાર કર્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટ રમવાને બદલે તેણે સીધા IPLમાં રમવાનું પસંદ કર્યું. જેને કારણે નારાજ થયેલા બીસીસીઆઈએ ઇશાનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી દુર કર્યો હતો. અહેવાલ મુજબ ઈશાનને પોતાની ભૂલનો અહેસાસ થયો છે, તે ડોમેસ્ટિક ક્રિકેટમાં કમબેક કરવા માટે તૈયાર છે. તેને ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા 25 પ્રી-સીઝન સંભવિત ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ, 26 વર્ષીય ઇશાન કિશન આગામી ડોમેસ્ટિક સિઝન માટે ઝારખંડ રાજ્ય તરફથી રમવા માટે સંમત થયો છે. તેને રાજ્યની ટીમની કેપ્ટનશીપ પણ મળી શકે છે. ઈશાને તેની ઉપલબ્ધતા વિશે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે. તેણે અંડર-19માં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ઈશાનને તેના શુભેચ્છકોએ મનાવ્યો હતો અને સિલેક્ટર્સે તેની સાથે વાત કરી છે.
ઇશાન કિશને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ તેણે બીસીસીઆઈ પાસેથી બ્રેક માંગ્યો હતો. આ પછી કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે તેણે પુનરાગમન કરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. ત્યારે રણજી ટ્રોફી ચાલી રહી હતી. પરંતુ તે ઝારખંડની ટીમ તરફથી રમવા માટે તૈયાર નહોતો. ત્યાર બાદ ટે બરોડામાં હાર્દિક પંડ્યા સાથે ક્રિકેટ એકેડમીમાં IPL માટે ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો.
ઈશાન કિશને વર્ષ 2021માં ભારત માટે ODI અને T20માં ડેબ્યૂ કર્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. તેણે ભારત માટે 27 ODI મેચોમાં 933 રન અને 32 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 796 રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં તેના નામે બેવડી સદી પણ છે. આ સિવાય તેણે ટીમ ઈન્ડિયા માટે બે ટેસ્ટ મેચ પણ રમી છે.