ઇશાન કિશને હેડ-કોચ દ્રવિડની કઈ સીધી વિનંતી ફરી અવગણી?
નવી દિલ્હી: યુવાન અને ટૅલન્ટેડ વિકેટકીપર-બૅટર ઇશાન કિશનને શું થઈ ગયું છે એ જ નથી સમજાતું. એક તો તેને નવેમ્બર, 2023 પછી ભારત વતી રમવા નથી મળ્યું અને હેડ-કોચ રાહુલ દ્રવિડે તેને ખાસ વિનંતી કરી છે એને પણ તે સતત અવગણી રહ્યો હોય એવું લાગે છે.
કિશન ઝારખંડની ટીમમાં છે. ફૉર્મ પાછું મેળવવા દ્રવિડે કિશનને થોડા દિવસ પહેલાં સીધી વિનંતી કરી હતી કે તેણે રણજી ટ્રોફીમાં રમીને ફરી અસલ ટચ મેળવી લેવો જોઈએ. જોકે તે ઝારખંડ વતી પહેલાં તો તે રાજકોટમાં સૌરાષ્ટ્ર સામેની મૅચમાં નહોતો, ત્યાર પછી પુણેમાં મહારાષ્ટ્ર સામેની મૅચમાં નહોતો રમ્યો અને શુક્રવારે દિલ્હીમાં સર્વિસીઝ સામે શરૂ થયેલી મૅચમાં પણ નથી રમ્યો.
દ્રવિડની સીધી વિનંતી છતાં કિશન રણજીમાં રમવાનું ટાળી રહ્યો છે એના પરથી તે શેને અગ્રતા આપે છે એ ચર્ચાનો વિષય બની ગયો છે. ડિસેમ્બરમાં તેણે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટેની ટીમમાં પોતાને સિલેક્ટ ન કરવામાં આવે એવું કહીને તેના નામે ચર્ચા શરૂ કરી હતી. ત્યારે તેણે અંગત કારણોસર આ પગલું લીધું હોવાનું કહ્યું હતું. જોકે તે માનસિક રીતે ખૂબ જ થાકી ગયો હોવાનું તેણે કહ્યું એટલે મામલો ઠંડો પડી ગયો હતો.2022માં મુંબઈ ઇન્ડિયન્સે કિશનને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને એ સાથે તે ઑક્શનમાં યુવરાજ સિંહ પછીનો બીજો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો હતો. હવે આઇપીએલની નવી સીઝન બહુ દૂર નથી એટલે કિશને એ પહેલાં રમવા માટે પૂર્ણપણે તૈયાર થઈ જવું પડશે.