સ્પોર્ટસ

ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટમાં વરસાદની સંભાવના છે? પિચ કેવી રહેશે?

લીડ્સઃ ભારત અને ઇંગ્લૅન્ડ (India and England) વચ્ચે શુક્રવાર, 20મી જૂને (બપોરે 3.30 વાગ્યે) અહીંના હેડિંગ્લી ગ્રાઉન્ડ પર શરૂ થનારી પ્રથમ ટેસ્ટ દરમ્યાન હવામાન કેવું રહેશે તેમ જ પિચ કેવી રહેશે એ જાણવાની ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સુકતા હશે એટલે અહીં તેમને ગુડ ન્યૂઝ આપી દઈએ કે 20-24 જૂન દરમ્યાન રમાનારી આ પ્રારંભિક ટેસ્ટ દરમ્યાન વરસાદ પડવાની કોઈ જ સંભાવના નથી અને પિચ પર ખાસ કરીને ફાસ્ટ બોલર્સને વધુ મદદ મળશે.

બન્ને દેશ વચ્ચેની પાંચ મૅચની આ ટેસ્ટ-સિરીઝ (TEST series) ચોથી ઑગસ્ટ સુધી રમાશે. 20થી 24મી જૂન સુધી રમાનારી પ્રથમ ટેસ્ટની જ વાત કરીએ તો આ મૅચ દરમ્યાન લીડ્સમાં વરસાદ પડવાની શક્યતા ન હોવાથી ખેલાડીઓ કોઈ પણ પ્રકારની ચિંતા વિના રમી શકશે અને પ્રેક્ષકોને પણ કોઈ અડચણ નહીં પડે. બધુ સમુસૂતરું પાર પડશે એવી સંભાવના છે.

યૉર્કશર કાઉન્ટીમાં લીડ્સ શહેરના હેડિંગ્લી (Headingly) ગ્રાઉન્ડ પર બોલર્સને અને એમાં ખાસ કરીને ફાસ્ટ બોલર્સને વધુ મદદ મળી છે. શુક્રવારના પ્રથમ દિવસે નવા બૉલ સામે બૅટ્સમેનોએ વધુ સતર્ક રહેવું પડશે, કારણકે પહેલા દિવસે પેસ બોલર્સને સ્વિંગ સારા મળશે તેમ જ સીમ મૂવમેન્ટ પણ ઘણી મળી રહેશે. એ જોતાં, પહેલું સત્ર બોલર્સ માટે કસોટીરૂપ પણ બની રહેશે. જોકે બૅટ્સમેનોએ ખૂબ સમજી વિચારીને ટાઇમિંગથી શૉટ ફટકારવો પડશે.

લીડ્સમાં હેડિંગ્લીના આ ગ્રાઉન્ડ પર પ્રથમ ઇનિંગ્સમાં સરસાઈ મેળવવી ફાયદારૂપ કહેવાશે. આ પિચ પર અત્યાર સુધીમાં 84 ટેસ્ટ રમાઈ છે જેમાંથી 29 ટેસ્ટમાં પ્રથમ બૅટિંગ કરનારી ટીમનો વિજય થયો છે અને 36 ટેસ્ટમાં સેક્નડ બૅટિંગ કરનારી ટીમ વિજયી થઈ છે. એટલે જ અહીં મોટા ભાગે ટૉસ જીતનારી ટીમ પહેલા ફીલ્ડિંગ કરવાનું પસંદ કરતી હોય છે.

આ મેદાન ઉપર 404/3 અત્યાર સુધીનો સૌથી સફળ રન-ચેઝ છે. બીજી ઇનિંગ્સમાં બૅટિંગ કરવી થોડી આસાન થઈ જતી હોવાથી યજમાન ઇંગ્લૅન્ડની ટીમ ટૉસ જીતશે તો પહેલા બૅટિંગ કરશે કે ફીલ્ડિંગ એ જોવું રહ્યું.
શુભમન ગિલ ભારતનો નવો અને યુવાન કૅપ્ટન છે, જ્યારે ઇંગ્લૅન્ડનો સુકાની બેન સ્ટૉક્સ ખૂબ અનુભવી ઑલરાઉન્ડર છે અને કૅપ્ટનપદે પણ તેને ઘણો અનુભવ છે.

બન્ને દેશ વચ્ચે અહીં જે ટેસ્ટ-શ્રેણી રમાઈ હતી એ ડ્રૉમાં ગઈ હતી. બેન સ્ટૉક્સના સુકાનમાં અને બે્રન્ડન મૅક્લમના કોચિંગમાં ઇંગ્લૅન્ડની ટીમ બેઝબૉલ ટેક્નિક (આક્રમક અભિગમ)થી રમીને ભારતીય ટીમ પર કેટલું વર્ચસ્વ જમાવશે એના પરથી પણ સિરીઝની દિશા નક્કી થશે.

આ પણ વાંચો -‏‏‎ ‘આ વિચિત્ર છે…’, IND vs ENG ટેસ્ટ સિરીઝનું નામ બદલવા પર કપિલ દેવે નારાજગી વ્યક્ત કરી

બન્ને દેશના ખેલાડીઓ પર એક નજર…

ઇંગ્લૅન્ડની પ્લેઇંગ-ઇલેવનઃ બેન સ્ટૉક્સ (કૅપ્ટન), જૅમી સ્મિથ (વિકેટકીપર), જૅક ક્રૉવ્લી, બેન ડકેટ, ઑલી પોપ (વાઇસ-કૅપ્ટન), જૉ રૂટ, હૅરી બ્રૂક, ક્રિસ વૉક્સ, બ્રાયડન કાર્સ, જૉશ ટન્ગ અને શોએબ બશીર.

ભારતની ટીમમાં કોણ-કોણ છેઃ શુભમન ગિલ (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, અભિમન્યુ ઇશ્વરન, કરુણ નાયર, નીતીશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button