ટેસ્ટના આ લોકપ્રિય ટ્રિપલ સેન્ચુરિયન માટે ટીમ ઇન્ડિયાનો દરવાજો પાછો ખૂલી રહ્યો છે?

નવી દિલ્હી: ક્રિકેટમાં ભારત વધી ટ્રિપલ સેન્ચુરી ફક્ત બે ખેલાડીએ ફટકારી છે જેમાં એક છે વીરેન્દર સેહવાગ (બે વખત 300-પ્લસ) અને બીજો છે કરુણ નાયર. રાજસ્થાનના જોધપુરમાં જન્મેલા કરુણ નાયર (Karun Nair)ને કેમેય કરીને ભારતની ટેસ્ટ ટીમમાં કમબૅક કરવું છે અને તેનું એ સપનું થોડા દિવસમાં સાકાર થતું કદાચ જોવા મળશે.
વાત એવી છે કે બીસીસીઆઈ (BCCI) ઇન્ડિયા ‘એ’ (INDIA ‘A’) ટીમમાં કરુણ નાયરનો સમાવેશ કરવાની પાકી તૈયારી કરી રહી છે, એવું એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
33 વર્ષના નાયરે 2016માં ચેન્નઈમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટના પ્રથમ દાવમાં અણનમ 303 રન કર્યા હતા. ભારતે એ ટેસ્ટ એક દાવથી જીતી લીધી હતી.
નવાઈની વાત એ છે કે આઠ વર્ષથી કરુણ નાયરને ટેસ્ટ ટીમમાં ફરી સ્થાન મળ્યું જ નથી. હવે જ્યારે તેણે 2024-25ની ડોમેસ્ટિક સીઝનમાં જબરદસ્ત પર્ફોર્મ કર્યું એટલે ટીમ ઇન્ડિયામાં તેના કમબૅકની શક્યતા વધી ગઈ છે.
આઈપીએલ બાદ જૂન મહિનામાં ભારતની ટેસ્ટ ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે (England tour) જશે જ્યાં પાંચ ટેસ્ટ મૅચ રમશે. એ પ્રવાસ પહેલાં ઇન્ડિયા ‘એ’ ટીમ ઇંગ્લૅન્ડની ટૂર પર જશે અને એ ટીમમાં કરુણ નાયરને સામેલ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે.
ઇંગ્લૅન્ડ લાયન્સ સામે ત્રણ મૅચ રમનારી ઇન્ડિયા ‘એ’ ટીમમાં કરુણ નાયર જેવા કેટલાક અનુભવીઓ તેમ જ કેટલાક યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ ગૌતમ ગંભીર પણ ઇન્ડિયા ‘એ’ ટીમ સાથે વિદેશ પ્રવાસે જઈને નવો શિરસ્તો શરૂ કરશે.
આ પણ વાંચો: ક્રિકેટ જગતમાં અનોખો યોગાનુયોગ સર્જાયો: 24 કલાકમાં 3 બેટર્સ 3 રનથી સદી ચુક્યા…
કરુણ નાયરને ભારત વતી ટેસ્ટમાં છેલ્લે છેક 2017માં રમવા મળ્યું હતું. તે ભારત વતી કુલ છ ટેસ્ટ અને બે વન-ડે રમ્યો છે.
નાયરે 2024-25ની ડોમેસ્ટિક સીઝનમાં કુલ 1,100થી પણ વધુ રન કર્યા હતા. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 225 રન બનાવ્યા હતા અને રણજી ટ્રોફીમાં તેણે કુલ 863 રન કર્યા હતા જેમાં ચાર સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરી સામેલ હતી.
ઇંગ્લૅન્ડના પ્રવાસમાં કરુણ નાયરને ઇન્ડિયા ‘એ’ ટીમમાં ઓપનર તરીકે અથવા મિડલ ઑર્ડર બૅટર તરીકે સામેલ કરવામાં આવશે.