ઇરફાન પઠાણે યુનિસને 2006ની સાલ જેવા જ બૉલમાં આઉટ કરી દીધો! પાકિસ્તાની કૅપ્ટનના હોશકોશ ઉડાડી દીધા
બર્મિંગહૅમ: ઇરફાન પઠાણ પાકિસ્તાની બૅટર્સ માટે હંમેશાં વિલન બન્યો હતો. ઇરફાને ભારતીય ખેલાડી તરીકેના તેના દિવસોમાં ખતરનાક સ્વિંગ બોલિંગથી પાકિસ્તાની બૅટર્સના હોશકોશ ઉડાડી દીધા હતા. હવે ફરી એકવાર ઇરફાનનો ભૂતપૂર્વ પાકિસ્તાનીઓ પરનો ખોફ જોવા મળ્યો છે. શનિવારે અહીં વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (ડબ્લ્યૂસીએલ)ની ફાઇનલ રમાઈ હતી જેમાં વડોદરાના આ ઑલરાઉન્ડરે એવી કમાલ કરી જેની ચર્ચા સોશિયલ મીડિયામાં ખૂબ થઈ રહી છે. ઇરફાને હરીફ ટીમના સુકાની યુનિસ ખાનને 2006ની સાલ જેવા જ બૉલમાં આઉટ કરી દીધો હતો.
યુવરાજ સિંહના સુકાનમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સે ફાઇનલમાં યુનુસ ખાનના નેતૃત્વમાં રમનાર પાકિસ્તાન ચૅમ્પિયન્સને પાંચ બૉલ બાકી રાખીને પાંચ વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.
પાકિસ્તાને 20 ઓવરમાં છ વિકેટે 156 રન બનાવ્યા બાદ ઇન્ડિયા ચૅમ્પિયન્સે 19.1 ઓવરમાં પાંચ વિકેટે 159 રન બનાવીને ફાઇનલ જીતી લીધી હતી.
અંબાતી રાયુડુએ 30 બૉલમાં 50 રન અને ગુરકીરત સિંહે 33 બૉલમાં 34 રન બનાવ્યા તો યુવરાજ સિંહે બાવીસ બૉલમાં અણનમ 15 રન બનાવ્યા હતા. ત્યાર બાદ યુસુફ પઠાણે જોરદાર ફટકાબાજી કરીને 16 બૉલમાં ત્રણ સિક્સર તથા એક ફોરની મદદથી 30 રન બનાવીને ભારતીય ટીમને વિજયની લગોલગ લાવી દીધી હતી. 19મી ઓવરમાં યુસુફ પઠાણ આઉટ થયા બાદ તેના નાના ભાઈ ઇરફાને યુવીને છેક સુધી સાથ આપીને અણનમ પાંચ રન બનાવીને વિજય અપાવ્યો હતો.
એ પહેલાં, ઇરફાને ત્રણ ઓવરમાં બાર રનના ખર્ચે એક વિકેટ લીધી હતી. એ એક વિકેટ ખૂબ મહત્ત્વની હતી. તેણે કૅપ્ટન યુનિસ ખાનને તેના માત્ર સાત રનના સ્કોર પર ક્લીન બોલ્ડ કરીને તેને પૅવિલિયન ભેગો કરી દીધો હતો.
આ વિકેટની ખાસિયત એ છે કે 2006ની સાલની કરાચી ટેસ્ટમાં ઇરફાને યુનિસ ખાનને આવા જ બૉલમાં આઉટ કર્યો હતો. 18 વર્ષ પહેલાં ઇરફાને યુનિસને ઇનસ્વિંગરમાં એલબીડબ્લ્યૂ કર્યો હતો.
ઇરફાનનો શનિવારનો ઇનસ્વિંગર એટલો ધારદાર હતો કે ક્રિકેટચાહકોને ઇરફાન 18 વર્ષ પહેલાં હતો એવો જ અસરદાર લાગ્યો હતો. શનિવારે ખરેખર તો ઇરફાનની આ વિકેટે બાજી ભારતના હાથમાં લાવી દીધી હતી. 12મી ઓવરમાં યુનિસ આઉટ થયો ત્યારે પાકિસ્તાનનો સ્કોર ચાર વિકેટે 79 રન હતો અને યુનિસની એક્ઝિટ સાથે પાકિસ્તાનની બૅટિંગ નબળી પડી ગઈ હતી.
અંબાતી રાયુડુને મૅન ઑફ ધ ફાઇનલનો અને યુસુફ પઠાણને મૅન ઑફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ મળ્યો હતો.