Irfan Pathan ના મેક-અપ આર્ટિસ્ટનું સ્વિમિંગ પુલમાં ડૂબતા મોત, પરિવાર શોકમાં ગરકાવ

બિજનૌરઃ ભારતના ભૂતપૂર્વ બોલર તેમ જ હાલ ક્રિકેટ કોમેન્ટેટર અને પ્રેઝન્ટેટર તરીકે દેખાતા ઇરફાન પઠાન (Irfan Pathan)ના પર્સનલ મેક-અપ આર્ટિસ્ટનું વેસ્ટ ઇન્ડિઝમાં સ્વીમિંગ પૂલમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.
ફયાઝ અન્સારી નામનો મેક-અપ આર્ટિસ્ટ હાલ અમેરિકા-વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપ માટે ઇરફાન પઠાન સાથે ગયો હતો, જ્યાં ઇરફાન કોમેન્ટેટર તરીકે કામ કરી રહ્યો છે. ફયાઝ મૂળ બિજનૌરના નગીના ક્ષેત્રનો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: પ્રાંતિજના મહાદેવપુરાના તળાવમાં નહાવા પડેલી ઘડી ગામની ત્રણ બાળકીઓ ડૂબતા મોત
મળેલી માહિતી મુજબ ફયાઝ અમુક વર્ષો પહેલા બિજનૌરના નગીનાના મોહલ્લા કાઝી સરાઇથી મુંબઈ આવ્યો હતો અને મુંબઈમાં તેણે પોતાનું હેર સેલોન શરૂ કર્યું હતું. ઇરફાન પઠાન અવારનવાર ફયાઝના સેલોનમાં જ પોતાના હેર-કટ અને સ્ટાઇલિંગ માટે જતો હતો અને સમય જતા તે ઇરફાન પઠાનનો પર્સનલ મેક-અપ આર્ટિસ્ટ બની ગયો. ઇન્ટરનેશનલ ક્રિકેટ ટૂરમાં પણ ફયાઝ હંમેશા ઇરફાન પઠાનની સાથે જ રહેતો.
ફયાઝના ભાઇ મોહમ્મદ અહેમદે જણાવ્યું હતું કે ફયાઝ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપ માટે ઇરફાન પઠાન સાથે ગયો હતો. ઇરફાન પઠાન ટી-20 વર્લ્ડ કપની કોમેન્ટરી ટીમનો ભાગ છે. શુક્રવારે સાંજે અમને ફયાઝ સ્વીમિંગ પૂલમાં ડૂબી ગયો હોવાથી તેનું મૃત્યુ થયું હોવાના સમાચાર આપવામાં આવ્યા હતા. અમને અને આખા કુટુંબને આ સમાચારથી ખૂબ મોટો આઘાત લાગ્યો છે.
આ પણ વાંચો: શોકિંગઃ લાતુરમાં સ્વિમિંગ પુલમાં ડૂબતા સગીરનું મોત
મોહમ્મદે વધુમાં જણાવ્યું હતું કે ફયાઝના લગ્ન હજી બે મહિના પહેલા જ થયા હતા થોડા તિવસ પહેલા જ બિજનૌર પોતાના ગામે જઇ આવ્યો હતો. આ ઘટનાથી તેની પત્ની અને આખું કુટુંબ મોટા આઘાતમાં છે.
આ ઉપરાંત ઇરફાન પઠાન પોતે વેસ્ટ ઇન્ડિઝમાં બધી ઔપચારિકતાનું ધ્યાન રાખી રહ્યા છે અને મૃતદેહને ભારત લઇ આવવા માટેની વ્યવસ્થા જોઇ રહ્યા છે. ચાર દિવસની અંદર ફયાઝનો મૃતદેહ દિલ્હી મોકલવામાં આવે તેવી શક્યતા છે.