ઇરાની કપઃ રણજી ચેમ્પિયન મુંબઇ અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે આવતીકાલે મુકાબલો…
લખનઉઃ રણજી ચેમ્પિયન મુંબઈ અને રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ મંગળવારથી લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં ઈરાની ટ્રોફીમાં સામ સામે ટકરાશે. આ મેચ પહેલા મુંબઈને જોરદાર ફટકો પડ્યો છે. તેમનો ઓલરાઉન્ડર મુશીર ખાન તાજેતરમાં માર્ગ અકસ્માતમાં ઈજાને કારણે મેચમાંથી બહાર થઈ ગયો છે. મુશીરે આ મહિનાની શરૂઆતમાં દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા બી તરફથી રમતી વખતે ઈન્ડિયા-એ સામે 181 રન ફટકાર્યા હતા.
આ પણ વાંચો :ના ના કરીને પણ 10 IPL રમી….. MS ધોની અંગે શાહરુખ ખાને આપ્યું ચોંકાવનારુ નિવેદન
ઈરાની કપ એ ડિફેન્ડિંગ રણજી ચેમ્પિયન અને દેશના અન્ય રાજ્યોના ખેલાડીઓની બનેલી ટીમ વચ્ચેની સ્થાનિક ક્રિકેટ કેલેન્ડરની એક મહત્વપૂર્ણ મેચ છે. લખનઉમાં પ્રથમ વખત ઈરાની કપની મેચ રમાશે. એકાના સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટ્સમેન અને બોલર બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અહીં મેચમાં જોરદાર ટક્કર થવાની સંભાવના છે.
રણજી ચેમ્પિયન મુંબઈએ અત્યાર સુધીમાં 14 વખત ઈરાની કપ પર કબજો કર્યો છે જ્યારે રેસ્ટ ઓફ ઇન્ડિયાએ આ ટ્રોફી 30 વખત જીતી છે. ગયા વર્ષે આ ટ્રોફી માટેની મેચમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ તત્કાલિન રણજી ચેમ્પિયન સૌરાષ્ટ્રને 175 રનથી હરાવ્યું હતું.
મુંબઈની બેટિંગની જવાબદારી કેપ્ટન અજિંક્ય રહાણે, પૃથ્વી શો અને તનુષ કોટિયાન પર રહેશે જ્યારે બોલિંગની જવાબદારી અનુભવી શાર્દુલ ઠાકુર અને શમ્સ મુલાનીના પ્રદર્શન પર રહેશે.
રેસ્ટ ઓફ ઇન્ડિયા માટે બેટિંગની જવાબદારી વાઇસ-કેપ્ટન અભિમન્યુ ઇશ્વરન, ઇશાન કિશન અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના ખભા પર રહેશે, જેમણે તાજેતરમાં સમાપ્ત થયેલી દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તમામની નજર ઓલરાઉન્ડર માનવ સુથાર અને ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાના પ્રદર્શન પર રહેશે.