આઇપીએલની ટિકિટ મોંઘી થઈ, પણ આંતરરાષ્ટ્રીય મૅચ સસ્તા ભાવે જોઈ શકાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આઇપીએલ (IPL)ની ટિકિટો પરનો ગૂડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ (GST) 28 ટકાથી વધારીને 40 ટકા કર્યો એને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મૅચ સ્ટેડિયમમાં જઈને જોવાનું મોંઘું થઈ શકે. આઇપીએલની ટિકિટોના દર હવે જીએસટીના સર્વોચ્ચ વર્ગમાં આવી ગયા છે. આઇપીએલની ટિકિટોના દર હવે કૅસિનો, રેસ ક્લબની હરોળમાં આવી ગયા છે.
ઉદાહરણ તરીકે, આઇપીએલની ટિકિટ (Ticket)ની મૂળ કિંમત 1,000 રૂપિયા હશે તો એનો ભાવ હવે 1,280થી 1,400 રૂપિયા થઈ જશે એવું એક અહેવાલમાં જણાવાયું છે.
જોકે આંતરરાષ્ટ્રીય મૅચોની ટિકિટના દર ઘટી જશે. અગાઉ આ મૅચો પર આઇપીએલની ટિકિટો જેટલો 28 ટકાનો જીએસટીનો દર લાગુ હતો. જોકે એ સ્લૅબ હવે નાબૂદ કરી નાખવામાં આવ્યો છે. ઇન્ટરનૅશનલ મૅચની ટિકિટને 18 ટકાનો દર લાગુ પડશે.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (પીઆઇબી)ના છેલ્લામાં છેલ્લા સરક્યૂલર મુજબ આઇપીએલ સિવાયની અન્ય ક્રિકેટ મૅચો હવે ` માન્યતાપ્રાપ્ત ખેલકૂદની ઇવેન્ટ્સ’ વર્ગમાં આવશે. એ મુજબ, 500 રૂપિયાથી વધુ કિંમતની (આઇપીએલ સિવાયની) ક્રિકેટ મૅચની ટિકિટ પર 18 ટકા જીએસટી લાગશે અને 500 રૂપિયાથી ઓછી કિંમતની ટિકિટને જીએસટીમાંથી મુક્તિ અપાઈ છે. એ જોતાં આંતરરાષ્ટ્રીય તેમ જ રાજ્યોના ક્રિકેટ ઍસોસિયેશનો દ્વારા યોજાતી ડોમેસ્ટિક મૅચો માટેની ટિકિટના ભાવ નજીકના ભવિષ્યમાં ઘટશે.
ઉદાહરણ તરીકે, આંતરરાષ્ટ્રીય મૅચની ટિકિટનો ભાવ 1,000 રૂપિયા છે તો પ્રેક્ષકને એ કરવેરા સહિત 1,280 રૂપિયામાં પડે છે. જોકે નવા ફેરફાર મુજબ આ ટિકિટનો ભાવ ઘટીને 1,180 થઈ જશે.
આ ફેરફાર આગામી બાવીસમી સપ્ટેમ્બરથી લાગુ પડશે. આ ફેરફાર ભારત અને શ્રીલંકામાં રમાનારા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપના એક અઠવાડિયા પહેલાં અમલી બનશે. 30મી સપ્ટેમ્બરે શરૂ થનારા મહિલા વિશ્વ કપની ટિકિટોનું વેચાણ હજી શરૂ નથી કરાયું.
આ પણ વાંચો…સૅમસન પછી હવે અશ્વિને પણ અત્યારથી 2026ની આઇપીએલમાં હલચલ મચાવી છે! જાણો કેવી રીતે…